ગુજરાતમાં પાછલા કેટલાક વખતથી કોંગ્રેસમાં તોડફોડનું રાજકારણ ભાજપ દ્વારા રમવામાં આવી રહ્યું છે. 2014માં લોકસભા અને 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં તોડફોડનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે આ અભિયાનને આગળ વધારવા માટે એક વખતના કોંગ્રેસના સાંસદ જીવાભાઈ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખતાં વાઘાણી માટે દારુણ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
આ રહી લેટરની કોપી…
મહેસાણાના પૂર્વ સાંસદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે નજીવા માર્જિન હારી ગયેલા જીવાભાઈ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખી જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોનું લિસ્ટ અમારી પાસે તૈયાર છે, અને કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર છે તો આ મીટીંગ માટે તારીખ આપવા વિનંતી છે. 10મી તારીખે પત્ર લખવામાં આવ્યો હોવાનું નિર્દેશિત થાય છે.
હવે પ્રશ્ન એ થાય છે શા માટે જીવાભાઈ પટેલે જીતુ વાઘાણીને લખેલા પત્રને સાર્વજનિક કરવાની જરૂર પડી છે. શું જીવા પટેલનું મન ભાજપથી ભરાઈ ગયું છે કે પછી ભાજપમાં તેમની વાતને કોઈ ધ્યાને કે કાને ધરવા તૈયાર નથી? ભાજપમાં તેમનું કોઈ બેલી નથી કે પછી ભાજપમાં તેમની સ્થિતિ ગયા પછી સાવ ડામાડોળ થઈ ગઈ છે, જેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
પાંચ વિધાનસભાના ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ તરફનો રૂખ બદલાઈ ગયો છે. કેટલાક કોંગ્રેસીઓ ચર્ચા કરી રહ્યા છે કે જીવાભાઈ ફરી પાછા કોંગ્રેસમાં આવી જશે. જીવાભાઈ પટેલ સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે અને મહેસાણાને પોતાનું રાજકીય ફલક બનાવ્યું છે.