Maharashtra politics: મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક ટ્વિસ્ટ: મુખ્યમંત્રીના શપથ ગ્રહણના પહેલા નિર્મલા સીતારમણે, વિજય રુપાણીની નિરીક્ષક તરીકે નિમણૂંક કરી
Maharashtra politics: મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાનને લઈને વધતા જતા સસ્પેન્સ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિધાનસભા પક્ષની બેઠક માટે બે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે.
Maharashtra politics: મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ને મહાયુતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૂંટણી પરિણામોના એક સપ્તાહથી વધુ સમય બાદ આ પગલું આવ્યું છે. જો કે, ગઠબંધનની અંદર સત્તાની વહેંચણીને લઈ ભાંજગડ ચાલુ હોવાથી સરકારની રચના હજુ ખોરંભે પડી છે.
ભાજપે મહારાષ્ટ્ર માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની નિમણૂકની જાહેરાત કરી હતી.
આ બન્ને નેતાઓનું કામ વિધાનસભા પક્ષની બેઠકની દેખરેખ રાખવાનું રહેશે. વિધાયક દળની બેઠકમાં પાર્ટીના નવા નેતાની પસંદગી કરવામાં આવનાર છે. નેતાની પસંદગી થતાં જ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તેના પરથી પરદો ઉઠી જશે.
મહારાષ્ટ્ર સરકારની બાગડોર કોણ સંભાળશે તેની અનિશ્ચિતતા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી 230 બેઠકો પર મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય થયો છે.
ભાજપે 132 બેઠકો, શિવસેનાએ 57 અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 41 બેઠકો જીતી હતી. જંગી જીત છતાં ઔપચારિક શપથ ગ્રહણ સમારોહ હજુ સુધી થયો નથી.
દેવેન્દ્ર ફડણવીસ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાય તેવી અપેક્ષા
મહારાષ્ટ્રમાં ભાજપના અગ્રણી નેતા દેવેન્દ્ર ફડણવીસને 3 ડિસેમ્બરે યોજાનારી બેઠક દરમિયાન પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી વ્યાપક અપેક્ષા છે.
મુંબઈમાં યોજાનાર આ કાર્યક્રમમાં ભાજપના તમામ ધારાસભ્યોને ભાગ લેવાની સૂચના આપવામાં આવી છે. વિધાનસભા પક્ષના નેતા તરીકે ફડણવીસની બઢતીને નવી રાજ્ય સરકારની રચના તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શક્યતા છે. ભાજપ તેના સાથી પક્ષો, ખાસ કરીને શિવસેનાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે.
ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન ચૂંટણી જીત છતાં કેટલાક આંતરિક મતભેદોનો સામનો કરી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાવસાહેબ દાનવેએ ટિપ્પણી કરી હતી કે જો અવિભાજિત શિવસેના અને ભાજપ એકસાથે ચૂંટણી લડ્યા હોત, તો તેમને વધુ બેઠકો મળી હોત. દરમિયાન, શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે સૂચવ્યું હતું કે જો અજિત પવારની આગેવાની હેઠળની NCP ગઠબંધનનો ભાગ ન હોત, તો શિવસેનાના એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને 90-100 બેઠકો મળી હોત. આ દાવાએ એનસીપી તરફથી તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને ગઠબંધનની અંદર ચાલી રહેલી ચડસાચડસીને બહાર લાવી છે.