Maharashtra: મહાયુતિમાં સર્વસંમતિ, દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી, અજિત પવાર અને એકનાથ શિંદે ડેપ્યુટી CM બનશે
Maharashtra:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જંગી બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રીના નામને લઈને નવ દિવસથી ચાલી રહેલ સસ્પેન્સનો અંત આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ, જે 132 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા છે, તેઓ મુખ્ય પ્રધાન બનશે જ્યારે શિવસેનાના એકનાથ શિંદે અને NCPના અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આઉટગોઇંગ મુખ્યમંત્રી એકનાથ શિંદે ભાજપ હાઈકમાન્ડ સાથે સહમત થયા બાદ મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર હતા, પરંતુ તેમની નારાજગીને કારણે મંત્રી બનવાનો ઈન્કાર કરી રહ્યા હતા. આખરે ભાજપના નેતા ગિરીશ મહાજનની મધ્યસ્થી બાદ તેઓ ડેપ્યુટી સીએમ બનવા માટે રાજી થયા છે.
મળતી માહિતી મુજબ શિંદેને શહેરી વિકાસ અને જાહેર બાંધકામ
વિભાગ જેવા મોટા મંત્રાલયો આપવામાં આવી શકે છે જ્યારે અજિત પવારને નાણા મંત્રાલય મળે તેવી શક્યતા છે. ગિરીશ મહાજનની બેઠક અને શિંદે જૂથના સાંસદોની વિનંતી બાદ મહાયુતિનું સંકટ દૂર થઈ ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે શિંદે મંગળવારે બપોરે થાણેથી મુંબઈમાં વર્ષા બંગલે જશે અને આગામી ત્રણ દિવસ માટે કાર્યકારી મુખ્યમંત્રીની જવાબદારી નિભાવશે.
મંગળવારે બપોર સુધીમાં મહાયુતિના નેતાઓ આઝાદ મેદાનમાં જશે
અને જ્યાં 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે તેનું નિરીક્ષણ કરશે. અગાઉના દિવસે, ભાજપે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવાર, 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે.
આ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને શાસક એનડીએ ગઠબંધનના ટોચના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી શક્યતા છે. રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર 16 થી 24 ડિસેમ્બર દરમિયાન યોજાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘મહાયુતિ’ ગઠબંધનને જંગી બહુમતી મળી છે. મહાગઠબંધનમાં સમાવિષ્ટ ભાજપે 132 બેઠકો, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ 41 બેઠકો જીતી છે.