Maharashtra: CM પદને લઈ મહાયુતિમાં કમઠાણ: શિવસેનાએ ભાજપને આપ્યો સંકેત, એકનાથ શિંદે ડેપ્યુટી CM નહીં સ્વીકારે
Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની ભવ્ય જીત બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્ન હજુ વણઉકલ્યો છે. ત્રણ દિવસ બાદ પણ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસ ભાજપ તરફથી હશે અને એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. જોકે, મહાયુતિ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Maharashtra જો દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તો શું તેઓ આ પદ સ્વીકારશે? આ સવાલ પર શિવસેના નેતા સંજય શિરસાટનું નિવેદન આવ્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદે આ પદ સ્વીકારશે નહીં. આ સ્થિતિમાં શિવસેના ઈચ્છે છે કે શિવસેનાના એકનાથ શિંદેને મહાયુતિ દ્વારા મુખ્યમંત્રી બનાવવામાં આવે.
શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના ફેસ પર લડવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ વાત સ્વીકારે છે. તેથી શિંદે મુખ્યમંત્રી બનવા માટે લાયક છે.
શિવસેનાના નેતા મનીષા કાયંદેએ પણ વ્યક્ત કર્યું કે એકનાથ શિંદેને ફરીથી મહારાષ્ટ્રના સીએમ બનાવવામાં આવે તે સારું છે. એવી ઈચ્છા શિવસૈનિકોની છે.
એકનાથ શિંદેએ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ પહેલા મંગળવારે એકનાથ શિંદે રાજભવન પહોંચ્યા અને નવી સરકાર બનાવવા માટે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું. પરંતુ તેમના રાજીનામા બાદ પણ રાજ્યની કમાન કોના હાથમાં જશે તે હજુ નક્કી થયું નથી.