Mumbai rains: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદે લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ લોકોને જરૂર પડે ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે. સીએમએ કહ્યું, “મુંબઈમાં સર્વત્ર ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર જામ છે અને રેલ્વે લાઇન પર ટ્રાફિક પણ પ્રભાવિત છે, સીએમએ જણાવ્યું હતું કે, “રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક પરથી પાણી હટાવવાની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં ટ્રાફિક સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેં તમામ ઈમરજન્સી એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે. હું મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓ પાસેથી સહકારની અપીલ કરું છું.
આજે સવારે 1 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે મુંબઈમાં વિવિધ સ્થળોએ છ કલાકમાં 300 મિમીથી વધુ વરસાદ થયો હતો.
આ ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આજે પણ ભારે વરસાદની સંભાવના છે. વિદ્યાર્થીઓની અસુવિધાને ધ્યાનમાં રાખીને, મુંબઈ (BMC વિસ્તાર)ની તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી છે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગામી સત્ર માટે નિર્ણય લેવામાં આવશે.
અધિકારીના જણાવ્યા અનુસાર,
ભારે વરસાદને કારણે પડોશી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રસ્તાનો એક ભાગ ધરાશાયી થયો છે. જેના કારણે રવિવારે સવારે ચાર કલાકથી વધુ સમય સુધી મુંબઈ-અમદાવાદ હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પાલઘરના માલજીપાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાનો એક ભાગ ધરાશાયી થયો ત્યારે પાઇપલાઇન સહિતનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. જેના કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો અને રોડની બંને તરફની અવરજવર ખોરવાઈ ગઈ હતી. સોમવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.