શિયાળો આવતાની સાથે જ આપણી જીવનશૈલીમાં બદલાવ આવતો હોય છે. કેમકે, આ સિઝનમાં તાપમાનમાં ઘટાડો આપણા સ્વાસ્થ્ય પર અસરકર્તા બની રહે છે. આથી, લોકો પોતાને સ્વસ્થ બનાવવા માટે તેમની ખાનપાન અને કપડાંમાં આવશ્યકતામાં બદલાવ લાવે છે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારી જાતને ઠંડીથી બચાવવી જોઇએ અને શરીરમાં ગરમી જાળવી રાખવી જોઇએ. ત્યારે શિયાળામાં મધનું સેવન આપના માટે ખૂબ જ હિતકારી બની રહેશે. મધ તે માત્ર તેના મીઠા સ્વાદ માટે જ નહીં પરંતુ તેના ઔષધીય ગુણધર્મો માટે પણ જાણીતું છે.
ખાસ કરીને શિયાળામાં મધ સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. પ્રાચીન કાળથી આયુર્વેદમાં ઘણી સમસ્યાઓના ઉપચાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર મધમાં ‘વાત’, ‘પિત્ત’ અને ‘કફ’ને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે. આ સિવાય તે બીજા પણ ઘણા ફાયદાઓ આપે છે. ચાલો જાણીએ શિયાળામાં મધ આરોગવાના કેટલાક શ્રેષ્ઠ ફાયદાઓ વિશે.
ઉધરસમાં અસરકારક
શિયાળામાં ગળામાં દુખાવો અને ખાસી થઇ જતી હોય છે. ઠંડા પવનને લીધે ગળામાં ખંજવાળ અને બળતરા પણ થઈ શકે છે. આ સ્થિતિમાં ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે. મધ ગળામાં સોજો અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મધ લાળ ઘટાડવામાં મદદરૂપ છે. ખાસ કરીને તે ભીની અને સૂકી ઉધરસમાં મદદ કરે છે. તેને ગરમ પાણી અથવા હર્બલ ટીમાં મિક્સ કરીને ગળાને આરામ આપી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
શિયાળાના સમયમાં ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે લોકો સરળતાથી ઘણા રોગો અને ચેપનો શિકાર બની જાય છે. ત્યારે મધ આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. મધમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે. જે વાયરસ સામે લડી શકે છે અને લક્ષણોની સારવાર કરવામાં મદદ કરે છે. દરરોજ એક ચમચી મધ આપણા શરીરની કુદરતી સુરક્ષાને સુરક્ષિત કરી શકે છે અને ચેપને દૂર રાખી શકે છે.
ત્વચાની સંભાળ રાખો
ઠંડા પવનો આપણી ત્વચામાંથી કુદરતી ભેજ છીનવી લે છે. જેના કારણે ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. આવી સ્થિતિમાં, તમે શિયાળામાં તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે મધનો ઉપયોગ કરી શકો છો. મધ જ્યારે ત્વચા પર લાગુ કરવામાં આવે છે ત્યારે તે હવામાંથી ભેજ ખેંચે છે અને તેને ત્વચા સાથે જોડે છે, જે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ત્વચાને નરમ રાખવામાં મદદ કરે છે.
ઊંધમાં સુધાર
આજકાલ બદલાતી જીવનશૈલીને કારણે લોકોની ઊંઘ પર પણ ઘણી અસર પડી રહી છે. ઊંઘ ન આવવાથી ઘણી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં મધ તમને સારી અપાવી શકે છે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી રાત્રે સારી ઊંઘ આવે છે.
ઊર્જા જાળવી રાખો
શિયાળાની ઋતુ પુષ્કળ ઠંડી લાવે છે. વાસ્તવમાં ઠંડીને કારણે લોકોમાં આળસ પ્રવર્તે છે. ત્યારે શિયાળામાં તમારી જાતને ઊર્જાથી ભરપૂર રાખવા માટે તમારા આહારમાં મધનો સમાવેશ કરો.