સ્કૅમ. એક એવો શબ્દ જે થોડા-થોડા સમયે અથવા તો છાશવારે સાંભળવા મળે છે. આ સ્કૅમ ઘણા પ્રકારનાં હોય છે. ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ છે એવું સાંભળવા મળે છે. તેમ જ કોઈના બૅન્ક અકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા, ઓટીપી અથવા તો કોઈ અન્ય રીતે સ્કૅમ થતાં હોય છે. સ્કૅમ ફક્ત મોબાઇલ ફોનથી જ થાય છે એવું જરૂરી નથી. ઘણાં સ્કૅમ ઈ-મેઇલથી પણ થાય છે. આથી ઈ-મેઇલથી થતાં સ્કૅમને જાણવું અને એનાથી બચીને રહેવું ખૂબ જ જરૂરી છે. આ માટે સૌથી પહેલાં તો કેવા પ્રકારનાં સ્કૅમ થઈ શકે છે એ જાણવું પડે છે અને ત્યાર બાદ એનાથી કેવી રીતે બચી શકાય એ જાણવું પડે છે. તો એ વિશે માહિતી જોઈએ.
ઈ-મેઇલથી થતાં સ્કૅમ
ઈ-મેઇલથી ઘણા પ્રકારનાં સ્કૅમ થઈ શકે છે, જેમાં કમ્પ્યુટરમાં મૅલવેરને ઇન્સ્ટૉલ કરીને ડેટા ચોરી કરવામાં આવે છે. જોકે આ પ્રકારની રીત ઘણા ઓછા સ્કૅમર્સ યુઝ કરે છે, કારણ કે આ માટે હૅકિંગની જરૂર પડે છે અને હૅકર્સ નાના-મોટા યુઝર્સને ટાર્ગેટ કરવા કરતાં મોટા યુઝર્સને ટાર્ગેટ કરે છે. બીજી રીત છે ઈ-મેઇલ્સ દ્વારા ખોટાં બિલ્સ મોકલીને યુઝર્સને ટેન્શન આપવામાં આવે છે. આ સાથે જ તેઓ કસ્ટમર કૅરનો નંબર પણ આપે છે જેના પર કૉલ કરવા માટે તેઓ કહે છે. કૉલ દરમિયાન વાતમાં ભોળવીને યુઝર્સ પાસે તમામ માહિતી કઢાવી લે છે અને સ્કૅમ કરે છે. ત્રીજી રીત છે કે તેઓ વિવિધ ઑફર્સનો ઈ-મેઇલ કરે છે. આ ઈ-મેઇલમાં તેઓ એક લિન્ક મોકલે છે. આ લિન્કનો પણ બે રીતે ઉપયોગ થાય છે. પહેલો, મૅલવેર ઇન્સ્ટૉલ કરવામાં આવે છે અને ડેટા ચોરી કરવામાં આવે છે. બીજો, લિન્ક દ્વારા એક વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વચ્ચે ફ્લિપકાર્ટની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવવામાં આવી હતી અને એ લિન્ક શૅર કરીને ઘણાને લૂંટવામાં આવ્યા હતા. જોકે આ વેબસાઇટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ પણ શોધવા માટેના ઘણા રસ્તા છે, પરંતુ સૌથી સરળ રીતની વાત કરીએ તો વેબસાઇટની સાથે https:// હોવું જોઈએ. http બાદ S ખૂબ જ જરૂરી છે. એનાથી ખબર પડે છે કે એ વેબસાઇટ સિક્યૉર છે. જોકે આ બધું તો ઈ-મેઇલ આવ્યા પછી કોઈ સ્ટેપ ઉઠાવવામાં આવે ત્યાર બાદની વાત છે, પરંતુ ઈ-મેઇલ આવી તો એ સાચી છે કે ખોટી એ જાણવું મહત્ત્વનું છે.