બિહારમાં બળજબરીથી લગ્નનો આવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ ચોકી જશે. અહીં એક શિક્ષકને સરકારી નોકરી મળી ત્યારે કેટલાક લોકોએ તેને બળજબરીથી પકડીને તેનું અપહરણ કર્યું હતું. માહિતી મળ્યા પછી, પરિવારના સભ્યોએ કેસ દાખલ કર્યો. પણ થોડી જ વારમાં સામે આવ્યું કે આ શિક્ષકના તો લગ્ન કરાવવામાં આવ્યા છે. આ લગ્ન બળજબરીથી કરાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. હવે પોલીસ મામલો શાંત પાડવામાં વ્યસ્ત છે.
મામલો હાજીપુરની પાતેપુર રેપુરા મિડલ સ્કૂલનો છે. જ્યાં ગત બુધવારે બપોરે ૩ વાગ્યાના સુમારે ૫-૬ લોકો સ્કોર્પિયોમાં આવ્યા હતા અને શિક્ષકનું અપહરણ કરી બળજબરીથી ઉપાડી ગયા હતા. ગુંડાઓએ હથિયારોના જોરે ગૌતમના લગ્ન પણ કરાવ્યા.
આ પછી પરિવારને ગૌતમ સાથે આવું કંઈક થયું હોવાની જાણ થતાં જ તેઓ શાળાએ દોડી આવ્યા હતા. ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસને અનેક અરજીઓ કરવા છતાં વાત ન સાંભળતાં પરિવારજનોએ રસ્તો રોકી દીધો હતો. તેઓએ મહુઆ પાતેપુર રોડ પર નાકાબંધી કર્યા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી.
ત્યારબાદ પોલીસે પરિવારજનોને શિક્ષકને શોધીને પરત લાવવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન કોઈએ ગૌતમના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જ્યારે પોલીસ ફોટોગ્રાફના આધારે ગૌતમને શોધવા નીકળી ત્યારે તેને ખબર પડી કે તેના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા છે. આ પછી નારાજ પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યું.
ગૌતમના લગ્ન રાજેશ રાયની પુત્રી ચાંદની કુમારી સાથે થયા હોવાની માહિતી મળી હતી. લગ્ન બાદ છોકરો અને યુવતી બંને પાતેપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હવે ગૌતમનો પરિવાર આ છોકરીને પોતાની સાથે રાખવાનો સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યો છે. પરિવારના ગુસ્સાને ધ્યાનમાં રાખીને પોલીસે છોકરા અને છોકરી બંનેને પોતાના રક્ષણમાં રાખ્યા છે.
બિહારમાં માતા પિતા અથવા પરિવારજનો દીકરીઓના લગ્નમાં દહેજ ન આપવું પડે એટલે આ પ્રકારે લગ્ન કરાવી રહ્યા છે. છેલ્લા ૩ દાયકાથી આ પ્રકારે ઘણા યુવકોના બળજબરીથી લગ્ન થઈ ચૂક્યા છે.