આજકાલ લગ્ન કરવા એ એક સામાન્ય પરિવાર માટે થોડું ચિંતાજનક બની રહ્યું છે. લગ્નમાં કરેલી સાંજ સજાવટથી લઇ પરિવારના દરેક સભ્યોના કપડાં અને ભોજન સુધીની બધી વસ્તુઓનું ટેંશન ઘરના લોકોને હોય છે. અને આ બધાની વચ્ચે દરેકની નજર દુલ્હન પર હોય છે, જો કે દરેક છોકરીને તેના લગ્નને લઈને ઘણી ઈચ્છાઓ હોય છે.
ખાસ કરીને છોકરીઓ લગ્નમાં પોતાના લુકને લઈને ખૂબ જ કન્ફ્યુઝ રહે છે. કારણ કે સારા મેકઅપ આર્ટિસ્ટની પસંદગી કરવી ખૂબ મુશ્કેલ છે. આજના સમયમાં બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં ઘણા બદલાવ આવ્યા છે અને મેકઅપને લઈને અનેક પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે. તાજેતરના સમયમાં એચડી મેકઅપને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જો કે, તેના વિશે મોટાભાગની સાચી માહિતી નથી અને તેના કારણે ઘણી વખત દેખાવ સારો થવાને બદલે ખરાબ થઈ જાય છે.
જો તમે તમારા લગ્ન માટે HD મેકઅપ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તે કરતા પહેલા તેના વિશે કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. જેથી કરીને તમે યોગ્ય મેકઅપ આર્ટિસ્ટ પસંદ કરી શકો અને તમારા લગ્નના દિવસે સારો અને એલિગન્ટ લૂક મેળવી શકો.
એચડી મેકઅપ ઘણી બાબતોમાં સામાન્ય મેકઅપથી તદ્દન અલગ છે. આ ત્વચાને અલગ પરફેક્શન આપે છે અને ચહેરો સંપૂર્ણપણે કેમેરા ફ્રેન્ડલી લાગે છે. વાસ્તવમાં, આ મેકઅપ કેકી નથી, એટલે કે, તે ત્વચા પર લેયર્સની જેમ દેખાતો નથી. ચહેરાની સૌથી નાની રેખાઓ પણ કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. એચડી મેકઅપ ચહેરાને હાઇ ડેફિનેશન કેમેરા માટે લાયક બનાવે છે, એટલે કે નાનામાં નાની ખામીઓ પણ છુપાયેલી રહે છે. આ મેકઅપથી દુલ્હનને નેચરલ લુક મળે છે.
એચડી મેકઅપ પ્રોડક્ટ્સ લાઈટ -રેઇઝિંગ કોટિંગ્સ સાથે કોટેડ હોય છે, જે ચહેરા પર પડતા પ્રકાશને જ્યારે તે પ્રતિબિંબિત કરે છે ત્યારે તેને અસ્પષ્ટ કરવામાં મદદ કરે છે. આ મેકઅપ ફેસ પરના પિમ્પલ, સ્પોટ્સ કે બીજી અન્ય વસ્તુઓને છુપાવે તો છે પરંતુ સાથે સાથે તેનાથી ભારે લાગતું નથી. આમાં પણ પરંપરાગત મેકઅપની જેમ બ્રશ અને સ્પોન્જનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હાઈ-એન્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
મેકઅપ આર્ટિસ્ટ પસંદ કરતી વખતે, ખાતરી કરો કે તે ભરોસાપાત્ર છે અને જ્યારે તમે તમારો મેકઅપ કરાવો છો, ત્યારે ઉપયોગમાં લેવાતા પ્રોડક્ટ્સ તપાસો. તેઓ HD ક્વોલિટીના છે કે નહીં? કારણ કે હાઈ-એન્ડ પ્રોડક્ટ્સ ઘણી મોંઘી હોય છે, જેના કારણે ઘણી વખત લોકો એચડી મેક-અપ તરીકે સિમ્પલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેનાથી તમારો લૂક ખરાબ થઇ શકે છે.