પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે વિવિધ સ્થળોએ જવાનું મન સૌ કોઇને થતું હોય છે. પરંતુ કેટલાક લોકો મુસાફરી કરવાથી દૂર રહે છે. કારણ કે બનવાજોગ છે કે કયારેક પ્રવાસનો અનુભાવ સારો ન પણ થયો હોય. મુસાફરી દરમિયાન કે પરત ફર્યા બાદ બિમારી થવાથી પ્રવાસ કરવાની બાબતે ચિંતા સતાવા લાગે છે. કેટલીક વખત મુસાફરી કરતી વેળા માથાનો દુખાવો થવો, પેટમાં દુખાવો થવો કે બેચેની અનુભવવી સહિતની સમસ્યા સતાવતી હોય છે. તો કેટલીક વખત મુસાફરી કર્યા બાદ સ્વાસ્થ્ય લથડી જતું હોય છે. આથી, મુસાફરીને ધ્યાનમાં રાખી અમે આપને કેટલીક બાબતો જણાવીશું જેને ધ્યાનમાં રાખવી હિતાવહ બની રહે છે.
ખોરાકની કાળજી
જો તમે મુસાફરી દરમિયાન તમારી ખાનપાનની આદતોનું ધ્યાન ન રાખો તો તેનાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. મુસાફરી દરમિયાન ડીહાઈડ્રેશનને કારણે નર્વસ, ઉલ્ટી કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, મુસાફરી કરતી વખતે આરોગ્યપ્રદ ખોરાક લો અને પાણી પીતા રહો. જેથી તમારું શરીર હાઇડ્રેટ રહે. તમે ઘરેથી તમારી સાથે કેટલાક ફળ લઈ શકો છો. મુસાફરી દરમિયાન ફળોનું સેવન કરવું ઉચિત રહે છે. આ સાથે મસાલેદાર ખોરાક અને વધુ પડતું ખાવાનું ટાળો.
ફિટનેસ
જો તમે તમારી તમારી દિનચર્યાને તોડવા માંગતા નથી અને ફિટનેસ સાથે કોઇ પણ પ્રકારે બાંધછોડ કરવા માંગતા નથી. તો જમ્પિંગ દોરડા અને યોગા મેટ તમારી સાથે રાખો. જેની મદદથી તમે હોટલના રૂમમાં કે બહાર ગાર્ડનમાં કસરત કરી શકશો. તેનાથી તમારા એક્સરસાઇઝ શિડ્યૂલમાં બ્રેક પડે નહી.
સારી ઊંઘ
સ્વાભાવિક છે કે, મુસાફરી દરમિયાન તમે થાક અનુભવી શકો છો. તેથી સફરનો આનંદ માણવાની સાથે થોડો આરામ પણ કરવો જોઇએ. ખાસ કરીને સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઇએ. જેથી તમારા શરીરને મુસાફરી દરમિયાન થતા તણાવ અને થાકમાંથી પણ રાહત મળી રહેશે.
આવશ્યક દવાઓ
બહાર ફરવા જતી વખતે કોઈને પણ નાની-મોટી ઈજા કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેથી, આ માટે હંમેશા તમારી સાથે કેટલીક આવશ્યક દવાઓ રાખો. જો તમે પહેલેથી જ ડાયાબિટીસ અને બીપીના દર્દી છો તો તે માટેની દવાઓ તેમજ સુગર અને બીપી ટેસ્ટિંગ મશીન પણ સાથે રાખો.
આ તમામ બાબતો મુસાફરી માટે આવશ્યક બની રહે છે. આ સાથે એક મહત્વની બાબત એ છે કે જો તમને પહેલેથી જ કોઈ સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા હોય, તો મુસાફરી કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો અને મુસાફરી દરમિયાન તમારા આહાર અને આરામનું ખાસ ધ્યાન રાખો.