રાજ્યમાં હૃદયની બિમારીઓને કારણે થતા અચાનક મૃત્યુના સિલસિલાને કારણે આરોગ્યની તપાસના પગલે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સંબંધિત દવાઓના વેચાણમાં ૨૦%નો વધારો થયો છે. ફાર્મરેક, હેલ્થકેર મેનેજમેન્ટ પ્લેટફોર્મનો ડેટા દર્શાવે છે કે ગુજરાતે વેચાણમાં ભારતીય સરેરાશ ૧૧%ની સરખામણીમાં લગભગ બમણી વૃદ્ધિ નોંધાવી છે. આ પ્લેટફોર્મે આ વર્ષના ઓક્ટોબરના ફાર્માસ્યુટિકલ વેચાણના ડેટાની ઓક્ટોબર ૨૦૨૨ સાથે સરખામણી કરી હતી. આ વર્ષે, સીવીડી સંબંધિત દવાઓનું વેચાણ ઓક્ટોબર ૨૦૨૨માં રૂ. ૮૬ કરોડની સરખામણીએ રૂ.૧૦૩ કરોડ થયું હતું.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, અચાનક મૃત્યુના તાજેતરના કેસોએ હાલની કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોને પ્રારંભિક લક્ષણો અને ઉપાય શોધવા માટે ચેકઅપ કરવા પ્રેર્યા છે. “૩૦ થી ૪૦ વર્ષની વય જૂથના લોકો નવા ગ્રાહકોનો મોટો હિસ્સો ધરાવે છે જેમણે સીવીડી સારવાર કરાવી છે.”
ફાર્મરેકના વાઇસ પ્રેસિડેન્ટ (કોમર્શિયલ) શીતલ સાપલેએ જણાવ્યું હતું કે, કેટલીક દવાઓ કે જેના વેચાણમાં વધારો જોવા મળ્યો છે તેમાં સ્ટેટિન્સ, ફાઇનરેનોન અને બેમ્પેડોઇક એસિડનો સમાવેશ થાય છે. એન્ટિહાઇપરટેન્સિવ્સનો વપરાશ સ્થિર રહ્યો છે, અહેવાલ દર્શાવે છે કે છેલ્લા ૨-૩ મહિનામાં સીવીડી સેગમેન્ટમાં વધારો જોવા મળ્યો છે. કાર્ડિયોલોજીના ક્રિટિકલ કેર સેગમેન્ટના વપરાશમાં પણ નોંધપાત્ર ઉછાળો છે. ડૉ. સમીર દાનીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોમાં વધતો જતો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને પાછલાં વર્ષોમાં પણ આ જ પ્રકારનો ગ્રેડિયન્ટ હોઈ શકે છે.