કોવિડ-19ના વધતા જતા કેસોને જોતા તહેવારો દરમિયાન વધુ સાવચેતી રાખવાની જરૂરીયાત રહે છે. કોવિડના નવા વેરિયન્ટ JN.1ને કારણે આ ખતરો વધી રહ્યો છે. આ ઉપરાંત શિયાળામાં ફ્લૂ જેવા શ્વાસ સંબંધી રોગોનું જોખમ પણ વધારે રહેતું હોય છે. હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ ક્રિસમસની ઉજવણીનો જામેલો માહોલ. તેથી આ સમયમાં કાળજી રાખવાની ખૂબ જરૂર રહે છે. પરિવારના સભ્યો સાથે બહાર જતી વેળા ભીડમાં ચેપી રોગો સરળતાથી એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. તેથી, તહેવારોની સિઝનમાં તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તે જરૂરી છે. શ્વાસ સંબંધી આ રોગોથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ કે કઈ રીતે તમે આ શ્વાસ સંબંધી રોગોથી બચી શકો છો.
બહાર જતી વખતે લોકો સાથે નજીકના સંપર્કને કારણે, છીંક કે ખાસી આવવાથી આ વાયરસ અને બેક્ટેરિયા હવામાં ફેલાય છે. તેથી બહાર જતી વેળા માસ્કનો ઉપયોગ કરો. માસ્ક માત્ર આ સૂક્ષ્મજીવાણુઓથી જ નહીં પણ પ્રદૂષણથી રક્ષણ કરવામાં મદદ કરે છે.
સ્વચ્છતા જાળવવામાં ન આવે તો તેને કારણે પણ શ્વસનતંત્રને લગતા રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે. ગંદા હાથથી મોં અને નાકને સ્પર્શ કરવાથી બેક્ટેરિયા અને વાયરસ તમારા શરીરમાં પ્રવેશી શકે છે અને ચેપ ફેલાવી શકે છે. તેથી તમારા હાથ સાફ રાખો. બહારથી આવ્યા પછી સાબુ અને પાણીનો ઉપયોગ કરીને હાથને સારી રીતે ધોઈ લો. ઉપરાંત, બહાર આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે પણ સામાન્ય શરદી અને ફ્લૂ જેવા રોગો સરળતાથી શિકાર બનાવી શકે છે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તંદુરસ્ત ખોરાક લો. તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, દૂધ, અનાજ વગેરેનો સમાવેશ કરો. જે તમારા શરીરને બધા જ પ્રકારના જરૂરી પોષકતત્વો પ્રદાન કરશે. આ સાથે જ શરીરને સ્વસ્થ બનાવવા માટે તે આવશ્યક પણ છે.
પાણીનો અભાવ અનેક રોગોનું મૂળ છે. તેથી પુષ્કળ પાણી પીવો. શરીરમાંથી પાણી ઓછું થવાને કારણે, લાળનું સ્તર જાડું થવા લાગે છે, જે હવાના માર્ગને સાંકડું બનાવી શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
કસરત કરવાથી તમારા ફેફસાં મજબૂત બને છે. એરોબિક કસરતો તમને સહાયરૂપ બની રહે છે. તેને કારણે તમારા ફેફસાં સ્વસ્થ રહે છે અને તેમની કામ કરવાની ક્ષમતા પણ વધે છે. આથી, દરરોજ થોડો સમય કસરત કરો. આ સાથે યોગાસન કરવું પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી નિયમિતપણે પ્રાણાયામ પણ કરવું જોઇએ.