મુન્દ્રા તાલુકાના શિક્ષકોના વહીવટી તથા નાણાકીય પ્રશ્નો પૂર્ણ થતા આનંદની લાગણી વ્યક્ત કરતું શિક્ષક સમાજ મુન્દ્રા તાલુકામાં સો ટકા કામગીરી પૂર્ણ કરાવનાર તાલુકાના શિક્ષણાધિકારીનું સન્માન કરવામાં આવ્યું રતાડીયા (ગણેશવાલા) તા. ૧૩: વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના અંતરિયાળ ગામોની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના વહીવટી અને નાણાકીય પ્રશ્નો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ રૂધાણીના માર્ગદર્શન અને મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના નેજા હેઠળ સો ટકા પૂર્ણ કરવામાં આવતા શિક્ષક સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. અગત્યના મુશ્કેલ પ્રશ્નોનો સો ટકા સકારાત્મક ઉકેલ આવતા હવે શિક્ષકો ચિંતા મુક્ત થઈને બાળકોના શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન આપી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ માસથી શાળા સમય બાદ શિક્ષક સમાજના મિત્રોએ શિક્ષકોના હાયર ગ્રેડ, વિદ્યા સહાયકોના હુકમો, એરિયસ બીલ, ન્યુ પેન્શન સ્કીમ એકાઉન્ટ, કુટુંબ પેન્શન અને અશક્ત બાબતની સર્વિસ બુકમાં નોંધ, તમામ પ્રકારની રજાઓના હુકમો અને જમા રજા નોંધ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ માટે આવેલી અરજીઓના હુકમો, વળતર રજાઓનું પ્રાપ્ત રજાઓમાં રૂપાંતરના હુકમો, બાહ્ય પરીક્ષા માટેની અરજીઓના હુકમો, પેન્શન કેસનો નિકાલ, વીમાની રકમ તથા ૩૦૦ દિવસની રજાનું રોકડમાં રૂપાંતર જેવી વિવિધ નોંધો સર્વિસ બુકમાં પૂર્ણ કરી અપડેટેડ ડુપ્લીકેટ સર્વિસ બુક તમામ શિક્ષકોને આપવા સહિત વ્યક્તિગત કે શાળાકીય કામો માટે આવેલી અરજીઓનું સકારાત્મક નિકાલ કરી સો ટકા કામગીરી પૂર્ણ કરેલ છે જે સંભવત જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યમાં પ્રથમ બનાવ હોવાનું ગૌરવ લેતા તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મંત્રી હિતેશભાઈ પટેલ અને સહમંત્રી સહદેવસિંહ જાડેજાએ આ ઉમદા કાર્ય પૂર્ણ કરવામાં સહકાર આપવા બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ રૂધાણીનું સાલ ઓઢાડીને સન્માન કરતા આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ તબક્કે મુન્દ્રા તાલુકાના બંને બીટના જિલ્લા કેળવણી નિરીક્ષક અને કામગીરી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રોનું પણ શિક્ષક સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
