Lok Sabha Elections 2024:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદીની વિશાળ માર્જિનથી જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ અહીં ધામા નાખ્યા છે.
લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાના મતદાન પહેલા વારાણસીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી દેશના અલગ-અલગ રાજ્યોમાં અન્ય ઉમેદવારો માટે રેલીઓ, જાહેર સભાઓ અને રોડ શો કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પોતાની સીટ જીતવા માટેના આયોજનોમાં વ્યસ્ત છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે રાત્રે (29 મે 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનારસમાં રોકાશે અને ત્યાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. પીએમ મોદી આ લોકસભા સીટ પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે પોતાની જંગી જીત માટે તમામ તાકાત લગાવી દીધી છે. રાજકીય નિષ્ણાતો અહીં એકતરફી હરીફાઈની આગાહી કરી રહ્યા છે, પરંતુ ભાજપ તેમાં કોઈ કસર છોડવા માંગતી નથી.
આ બેઠક પર 1 જૂને મતદાન છે
તમને જણાવી દઈએ કે સાતમા તબક્કા હેઠળ વારાણસી લોકસભા સીટ માટે 1 જૂન, 2024ના રોજ મતદાન થવાનું છે. આ સીટ પર પીએમ નરેન્દ્ર મોદી બીજેપી તરફથી ચૂંટણી લડી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના અજય રાય I.N.D.I.A ગઠબંધન તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને ત્રણેય વખત તેમને હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણેય પરાજયમાં તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા, પરંતુ આ વખતે સપા સાથેના ગઠબંધનના કારણે તેમની વોટ ટકાવારી વધી શકે છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ 2014 અને 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં આ સીટ જીતી છે.
CM યોગી આદિત્યનાથ પોતે મોરચો સંભાળી રહ્યા છે
વારાણસીમાં સીએમ યોગી આદિત્યનાથે પોતે ચાર્જ સંભાળ્યો છે. તેઓ અહીં સતત જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. સીએમ યોગી ઉપરાંત ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક, દયાશંકર સિંહ, એકે શર્મા અને યુપી સરકારના અન્ય મંત્રીઓ પણ પીએમ મોદી માટે વોટ માંગવા માટે શેરીએ-ગલીએ ફરી રહ્યા છે. આટલું જ નહીં, બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ અહીં ધામા નાખે છે. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, એસ. જયશંકર, સ્મૃતિ ઈરાની અને રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓ વારાણસીની શેરીઓમાં પીએમ મોદી માટે પ્રચાર કરી રહ્યા છે.