Kutch મુન્દ્રાના મુખ્ય માર્ગો પર ભારે વાહનો કરી રહ્યાં છે નિયમોનો ઉલાળીયો ; જવાબદાર ભ્રષ્ટ “બાબુ”!
Kutch કચ્છમાં ભ્ર્ષ્ટાચારથી ખદબદતા ભુજ આરટીઓમાં ફરજ બજાવતા કેટલાક અધિકારી અને કર્મચારીઓ દ્વારા ઓવરલોડ વાહનો સામે આંખ આડે કાન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની અગાઉ અનેક ફરિયાદો થઈ છે. તેમ છતાં મુન્દ્રાના ઝીરો પોઇન્ટ સર્કલ પાસેથી દૈનિક હજારો ઓવરલોડ વાહનો આરટીઓની મીઠી નજર હેઠળ પસાર થઇ રહ્યા છે પરંતુ કાર્યવાહી નહિવત છે. ત્યારે શહેરમાં થતાં જીવલેણ અકસ્માતો કયારે અટકશે તેવા પ્રશ્ન સામે પણ તંત્ર મૌન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ મુન્દ્રા વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનોને રૂપિયા લઈને જવા દેવા માટેનું એક લીસ્ટ ભુજના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ચલાવતા હોવાનો આક્ષેપ થયો હતો. જેમાં “જે લિસ્ટમાં હોય તે નંબરોને કોઈપણ પણ સમયે રોકવો નહિ” તે લિસ્ટની કોપી ગાંધીનગર ખાતે આવેલા વાહન વ્યવહાર કમિશનર ઓફિસ સુધી પહોંચી હતી ત્યારબાદ આ મામલે આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવાયો હતો.
ખરેખર આવી જ કામગીરી ગાંધીનગર ખાતે આવેલ વાહન વ્યવહાર કમિશનર દ્વારા ફરી સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે તો આરટીઓ વિભાગના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓની વાસ્તવિકતા બહાર આવે તેમ છે. તો સાથે જ મુન્દ્રાના મુખ્ય માર્ગ પર દોડતા ભારે વાહનો નિયમોનું કેટલું પાલન કરે છે? તેની સચ્ચાઇ બહાર આવે અને ભ્રષ્ટ બાબુઓની પોલ પણ છતી થાય તેમ છે. ત્યારે વાહન વ્યવહાર કમિશનરની વડી કચેરી ગાંધીનગર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવે તેવી માગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.
કચ્છમાં ઔદ્યોગિક એકમોનો વ્યાપ વધ્યું પરંતુ તેની સાથે સાથે દુષણોનુ પ્રમાણ પણ એટલું જ વધ્યું છે. મહત્વની બાબત છે કે સત્ય ડે ન્યુઝ દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવી હતી જેમાં મુખ્ય માર્ગો પર દોડતા ભારે વાહનોના ચાલકો ચાલુ વાહને ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત લખપત અને નખત્રાણા વિસ્તારમાંથી બોગસ લાયસન્સ કૌભાંડ ઝડપાયો હતો તેમજ ખાવડા પંથકમાં અવારનવાર નશામાં ધૂત બની ભારે વાહનોના ચાલકો બેફામ વાહન હંકારતા નજરે ચડી ચુકયા છે તેમ છતાં આરટીઓ વિભાગ દ્વારા દાખલારૂપ કાર્યવાહી શા માટે નથી કરાતી ?