(સૈયદ શકીલ દ્વારા): ગુજરાત ભાજપના રાવણાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સખત નારાજ છે. મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે શરૂ કરેલી યોજનાઓની હાલત અદ્વરતાલ થઈ જવા પામી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના ભૂંડા દેખાવની વડાપ્રધાન દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાની વિશ્વસનીય માહિતી સત્ય ડેની મળી છે.
સંઘના વર્તુળોએ આપેલી માહીતી મુજબ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કાર્યપદ્વતિથી વડાપ્રધાન મોદી ખુશ નથી. આ બન્નેને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ ત્રણ મહિનાના સમયગાળા દરિમયાન આ જોડી વડાપ્રધાન અને સંઘના પરિમાણો પર ખરી ઉતરી નથી.
વર્તુળો મુજબ પુરુષોત્તમ રૂપાલાના નામ પર નાગપુરે મંજુરીની મહોર મારી દીધી છે અને ભાજપના દિલ્હીના હેટક્વાર્ટરમાં પણ રૂપાલાને સીએમ પદે બેસાડવાની લીલીઝંડી મળી ગઈ છે. એવું મનાય છે સંભવત: ડિસેમ્બર મહિનામાં કમૂર્તા બેસે તે પહેલાં રૂપાલાને ગુજરાતનું સુકાન સોંપી દેવામાં આવે.
હાલ રૂપાલા કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના કૃષિ પ્રધાન છે. રૂપાલા પાસે વહીવટનો બહોળો અનુભવ છે અને તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આમ તો વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ પાટીદારને સીએમ બનાવી નારાજ થયેલા સમાજને ભાજપ તરફ વાળવા માટેની વિચારણા કરવામાં આવી હતી પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિજય રૂપાણીના નામ પર જોર કરતાં રૂપાણી સીએમ પદે ફરી આરુઢ થયા હતા. વડાપ્રધાન મોદી દ્વારા રૂપાલાના નામ પર આશિર્વાદરૂપી મંજુરી મળી ગઈ હોવાનું જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે.
દિલ્હી ભાજપના વર્તુળો મુજબ સંઘ પરિવાર દ્વારા પણ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન લઈને ખાસ્સી માથાપચ્ચી કરવામાં આવી હતી અને લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો હાંસલ કરવા માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં સપાટો બોલાવી તેવી શક્યતા જોવા મળી રહી છે.