એક સમયે હાર્દિકના ખાસ મિત્ર મનાતા દિનેશ બાંભણીયાએ ફરીવાર હાર્દિક પટેલને ટારગેટ કરી કેટલાક આરોપો મૂક્યા હતા. આ આરોપો અંગે સોશિયલ મીડિયા પર દિનેશ બાંભણીયા વિરુદ્વ હાર્દિકના ચાહકોનો ગુસ્સો ફાટ્યો હતો.
દિનેશ બાંભણીયાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે હાર્દિકનું આંદોલન જેડીયુના ઉપપ્રમુખ પ્રશાંત કિશોર પ્રેરિત છે અને જેડીયુના પૈસે આંદોલન કરવામાં આવ્યું હતું. બાંભણીયાના આરોપો પર હાર્દિકના ચાહકોએ બરાબરનો રોષ ઠાલવ્યો હતો. એક ચાહકે લખ્યું કે હાર્દિક પાક્સિ્તાનના પીએમને મળશે તો આંદોલન પાકિસ્તાન પ્રેરિત થઈ જશે. હાર્દિકને તોડવા અને બદનામ કરવા માટે આ આક્ષેપો કરવામાં આવ્યા છે.
હાર્દિક પટેલ સાથે સંકળાયેલા સુરત ખાતેના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું કે હાર્દિક પટેલ અને પ્રશાંત કિશોર મળ્યા હોય તો આના માટે આટલો બધો હોબાળો શા માટે કરવામાં આવી રહ્યો છે. પ્રશાંત કિશોર સાથે મુલાકાત થઈ હતી પણ આંદોલનના અનુસંધાને નહી એક માત્ર ઔપચારિક મુલાકાત હતી. મુલાકાત અને આંદોલનની સાથે કશું લાગતું વળગતું નથી.
હાર્દિકનો જે ડાન્સ કરતો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તે હકીકતમાં કોઈ પ્રસંગ કે મ્યુઝીકલ પ્રોગ્રમનો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. દિનેશ બાંભણીયાએ આવી રીતે હાર્દિક ઉપર પાંચથી છ વખત ગંભીર આક્ષેપો કર્યા છે. હાર્દિક પર આક્ષેપ કરવા પાછળ બાંભણીયાનો આશય શો છે તે તો તેમની પત્રકાર પરિષદ પરથી જ સ્પષ્ટ થાય છે. બાકી હાર્દિક પરના આક્ષેપો સાથે પાટીદાર સમાજ કે આંદોલનને કશું લાગતું વળગતું નથી, એવું પાટીદાર સમાજના આગેવાને કહ્યું છે.