21 જૂને સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. જેના કારણે તેનું સૂતક પણ રહેશે, ગ્રહણ સવારે 10.14 વાગે શરૂ થશે અને 1.38 વાગે પૂર્ણ થશે. ગ્રહણનું સૂતક 20 જૂને રાતે 10.14 વાગ્યાથી 21 જૂન બપોરે 1.38 વાગ્યા સુધી રહેશે. ગ્રહણ સંબંધમાં સમુદ્રમંથનની કથા પ્રચલિત છે. સૂર્યગ્રહણની કથા સમુદ્રમંથન સાથે જોડાયેલી છે. પ્રાચીનકાળમાં દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્રમંથન કર્યું હતું. આ મંથનમાંથી 14 રત્ન પ્રાપ્ત થયાં હતાં.
સમુદ્રમંથનમાંથી જ્યારે અમૃત બહાર આવ્યું ત્યારે તેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને દેવતાઓને અમૃતપાન કરાવવા લાગ્યાં. તે સમયે રાહુ નામના અસુરે પણ દેવતાઓનો વેશ ધારણ કરીને અમૃત પાન કરી લીધું. ચંદ્ર અને સૂર્યએ રાહુને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને જાણકારી આપી દીધી. વિષ્ણુજીએ ગુસ્સામાં આવીને રાહુનું માથું ધડથી અલગ કરી દીધું. રાહુએ અમૃત પી લીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું નહીં. ત્યારથી જ રાહુ ચંદ્ર અને સૂર્યને પોતાના દુશ્મન માને છે. સમયે-સમયે આ ગ્રહોને ગ્રસ્ત કરે છે. શાસ્ત્રોમાં આ ઘટનાને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.