દેશમાં મંદિરની બહાર દક્ષિણા માગીને લાખો રૂપિયા ભેગા કર્યા હોય તેવી વ્યક્તિઓના અનેક કિસ્સા આપણી સામે આવતા રહે છે. આંધ્ર પ્રદેશમાં વિજયવાડા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી 73 વર્ષીય યદલા રેડ્ડી નામના ભિક્ષુક સાંઈ બાબા મંદિરની બહાર બેસે છે. હાલમાં જ તેણે પોતાની સંપત્તિમાંથી 8 લાખ રૂપિયા મંદિરને દાન કર્યા છે. યદલા રેડ્ડી વર્ષોથી મંદિરની બહાર ભીખ માગવાનું જ કામ કરે છે પરંતુ, તે જેટલા રૂપિયા ભેગા કરે છે તે બધા મંદિરને દાનમાં આપી દે છે.
મંદિરના પ્રેસિડન્ટ ગૌતમ રેડ્ડીએ કહ્યું કે, યદલા રેડ્ડી હંમેશાં મંદિરના કોઈ પણ કામમાં રૂપિયા આપીને મદદ કરે છે. યદલા રેડ્ડીનો જન્મ તેલંગાણાના ચિંતાપલ્લી ગામમાં થયો હતો અને 10 વર્ષની ઉંમરે તેઓ વિજયવાડા આવી ગયા હતા. 30 વર્ષ સુધી રિક્ષા ચલાવી અને પછી બીમાર પડ્યા તો મંદિરની બહાર ભીખ માગવાનું શરુ કરી દીધું. તેમણે કહ્યું કે, હું જ્યારે બીમાર હતો ત્યારે મેં સાંઈ બાબાને પ્રાર્થના કરી હતી કે હું સાજો થઇ જઈશ તો 1 લાખ રૂપિયાનું દાન કરીશ. હું સ્વસ્થ થઇ ગયો અને ભીખ માગીને 1 લાખ રૂપિયા મંદિરને આપ્યા.