નવી દિલ્હી: રવિવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. આ પાંચ રાજ્યો પૈકી પશ્ચિમ બંગાળના પરિણામો ઉપર સૌથી નજર હતી. પરંતુ પશ્ચિમ બંગાળમાં આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી જંગી બહુમતીથી જીતી પરંતુ મમતા દીદીએ પોતાની નંદીગ્રામની બેઠક ગુમાવવી પડી હતી. મમતાએ નંદીગ્રામ બેઠક પર પોતાની હારનો સ્વીકાર કર્યો હતો.
મમતા બેનરજી નંદીગ્રામ પરથી ચૂંટણી હારી ગયા છે ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે શું તેઓ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે? જોકે, ચૂંટણી નિષ્ણાતોનું કહેવું છે કે મમતા ફરીથી પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળશે તેમાં કોઈ શંકા નથી. જો વાત કરવામાં આવે તો ભારતના ત્રણ સૌથી મોટી વસ્તી ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રી નીતિશ કુમાર, યોગી આદિત્યનાથ અને ઉદ્ધવ ઠાકરે પોત પોતાના રાજ્યની વિધાન પરિષદના સભ્ય છે, તેઓ વિધાનસભાનો હિસ્સો નથી. સીધા શબ્દોમાં કહીએ તો તેઓ મુખ્યમંત્રી બનવા માટે ચૂંટણી નથી જીત્યા. આમાંથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ એક એવા મુખ્યમંત્રી છે જેઓ 36 વર્ષ પહેલા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ક્યારેય ચૂંટણી નથી લડ્યા. જોકે, મમતા બેનરજીનો કેસ અલગ છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ નથી. જોકે, તૃણમૂલ કૉંગ્રેસ તરફથીઆવું માળવું બનાવવાની વાત કરવામાં આવી છે.
અનુચ્છેદ 164 પ્રમાણે, એક મંત્રી જે સતત છ મહિના સુધી કોઈ રાજ્યના વિધાનમંડળનો ન હોય તો તે આ સમય મર્યાદા ખતમ થયા બાદ મંત્રી ન બની શકે. મતલબ સ્પષ્ટ છે કે મમતા બેનરજીએ છ મહિનાની અંદર ચૂંટણી જીતવી પડે. પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ ન હોવાથી મુખ્યમંત્રીએ છ મહિનાની અંદર કોઈ બેઠક ખાલી કરીને ત્યાંથી ચૂંટણી લડીને જીતવી પડશે. પેટા-ચૂંટણીને તેઓ ધારાસભ્ય બની શકે છે અને મુખ્યમંત્રી પદે ચાલુ પણ રહી શકે છે.
આ પહેલા રવિવારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની હાર સ્વીકારતા કહ્યું હતું કે, “હું નંદીગ્રામના ફેંસલાનો સ્વીકાર કરું છે. હું બંધારણીય ખંડપીઠ પાસ જઈશ. ટીએમસીએ વિધાનસભામાં શાનદાર જીત મેળવી છે. બીજેપી ચૂંટણી હારી ગઈ છે. બીજીપીએ ભૂંડી રાજનીતિ કરી છે. ચૂંટણી પંચને લક્ષ્મણ રેખાની જરૂર છે.”