નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. આ ગંભીર સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દિલ્હીની કેજરીવાલ સરકાર એ અગત્યના નિર્ણયો લીધા છે. રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ દિલ્હીમાં વીકેન્દ્ર કર્ફ્યૂની જાહેરાત કરી છે. શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં બેડની અછત નથી. તાજા આંકડાઓ મુજબ, 5000થી વધુ બેડ ખાલી છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ જાણકારી આપી કે, દિલ્હીમાં વીકેન્દ્ર કર્ફ્યૂ દરમિયાન સાપ્તાહિક બજાર વારફરથી ખુલશે. લગ્નની સીઝન છે, તેથી તેને સંબિધિત પાસ ઇશ્યૂ કરવામાં આવશે. દિલ્હીમાં સિનેમાહોલ 30 ટકાના ક્ષમતાની સાથે ખુલશે. સાથોસાથ રેસ્ટોરાંમાં માત્ર પેકિંગની વ્યવસ્થાની મંજૂરી આપવામાં આવશે. એનો અર્થ છે કે રેસ્ટોરાંમાં ડાઇન-ઇન વ્યવસ્થા બંધ રહેશે, માત્ર ટેક-અવે અને હોમ ડિલીવરીની સુવિધા ચાલુ રહેશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં વીકેન્ડ કોરોના કર્ફ્યૂ દરમિયાન ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટેશનની છૂટ રહેશે. તેમના જણાવ્યા મુજબ રાજધાનીમાં સ્થિતિ કાબૂમાં છે. લોકોના જીવ બચાવવી અમારી પ્રાથમિકતા છે.
મોલ્સ, જિમ અને સ્પા સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે, એવામાં કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધુ રહેતો હોય છે. તે બાબતને ધ્યાનમાં લઈને દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ દરમિયાન આ બધા સ્થળો બંધ રાખવાનો નિર્ણય કેજરીવાલ સરકારે લીધો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોના વાયરસના નવા આંકડા ડરાવનારા છે. ગત 24 કલાકમાં કોરોનાના 17,282 નવા કેસ સામે આવ્યા છે અને 104 લોકોનાં મોત થયા છે. આ વર્ષે પહેલીવાર મોતનો આંકડો 100 પાર કર્યો છે. દિલ્હીમાં છેલ્લા ચાર દિવસમાં જ 47 હજારથી વધુ કોરોના સંક્રમણના દર્દી મળી ચૂક્યા છે.