Supreme Court વકફ સુધારા કાયદા પર આજે સુપ્રીમ કોર્ટમાં 20થી વધુ અરજીઓ પર થશે સુનાવણી
Supreme Court વકફ સુધારા અધિનિયમ-2025ને લઈને આજના બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અને તીખી કાયદાકીય સુનાવણી યોજાવાની છે. દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કાયદા સામે અને સમર્થનમાં અત્યાર સુધી 20થી વધુ અરજીઓ દાખલ થઈ ચૂકી છે, જેમાંથી કેટલાક અર્થઘટનાત્મક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને બંધારણીય કસોટી પર આ કાયદાની પરીક્ષા થશે.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ત્રિસદસ્ય પીઠમાં ન્યાયમૂર્તિ પીવી સંજય કુમાર અને ન્યાયમૂર્તિ કેવી વિશ્વનાથન સમાવિષ્ટ છે. સુનાવણી દરમિયાન કેટલીક અરજીઓમાં વચગાળાનો સ્ટે માંગવામાં આવ્યો છે, જેને પગલે કેન્દ્ર સરકારે કેવિયેટ દાખલ કરી છે કે કોર્ટ કોઈ પણ એકતરફી નિર્ણય ન આપે અને પહેલા કેન્દ્રનો પક્ષ સાંભળે.
આ કેસમાં મહત્વનું છે કે વકફ સુધારા અધિનિયમ-2025ને તો પડકાર મળ્યો છે જ, પણ કેટલાક વકીલોએ મૂળભૂત વકફ અધિનિયમ-1995ને પણ બંધારણ વિરુદ્ધ ગણાવીને રદ કરવાની માગ ઉઠાવી છે. અરજદારોમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને મોહમ્મદ જાવેદ, TMC નેતા મહુઆ મોઈત્રા, AAPના અમાનતુલ્લાહ ખાન, DMKના A. રાજા સહિત અનેક રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને વ્યક્તિગત અરજદારોનો સમાવેશ થાય છે.
આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને આસામ જેવી સાત રાજ્ય સરકારોએ વકફ સુધારા કાયદાને ટેકો આપતી હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ હરિશંકર જૈન અને અરજદાર પારુલ ખેડાએ દલીલ કરી છે કે વકફ અધિનિયમ હિન્દુઓ અને બિન-મુસ્લિમો સામે ભેદભાવ ઊભો કરે છે અને તેને બંધારણીય હક્કોની ઉલંગન કહેવામાં આવ્યો છે.
આરોપ છે કે 2025ના સુધારામાં કેટલીક જોગવાઈઓ સામાજિક સમાનતા અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારને ક્ષતિ પહોંચાડે છે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સૌની નજર છે – કે શું આ કાયદો બંધારણીય કસોટી પર ખરો ઉતરે છે કે નહીં.