ભારતીય બેંકો પાસેથી લોન લઈને ભાગી છૂટેલા વિજય માલ્યાએ ફરી ભારતીય બેન્કોની 100 ટકા લોન પાછી આપવાની ઓફર કરી છે.જોકે તેના પરનુ વ્યાજ આપવા માટે માલ્યા તૈયાર નથી. બુધવારે માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ભારતમાં મીડિયા અને રાજકીય પક્ષો મારા વિરુધ્ધ બૂમો પાડી રહ્યા છે પણ મેં કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ જે પ્રસ્તાવ મુક્યો હતો તેની કોઈ વાત કરતુ નથી.હું તમામ બેંકોની 100 ટકા લોન ચુકવવા તૈયાર છું, બેંકો મારો પ્રસ્તાવ સ્વીકારે તેવી મારી અપીલ છે.
માલ્યાએ લખ્યુ હતુ કે મીડિયા અને નેતાઓ બૂમો પાડી રહ્યા છે કે હું સરકારી બેન્કોના પૈસા લઈને ભાગી ગયો છું. આ જૂઠ્ઠાણું છે.મારી સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો નથી. કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ મેં લોન સેટલમેન્ટ માટેનો આખો પ્લાન રજૂ કર્યો હતો પણ તેની કોઈ વાત કરવા તૈયાર નથી.
હાલમાં બ્રિટનમાં રહેતા માલ્યાએ કહ્યુ હતુ કે મારી શરાબ બનાવતી કંપની અને એરલાઈન્સે સરકારને હજારો કરોડો રુપિયાનો ટેક્સ ચુકવ્યો છે. મારી એરલાઈન્સ ગુમાવવાનુ દુખ મને પણ છે. હું જે પણ પેમેન્ટ ઓફર કરી રહ્યો છું તેને બેન્કો સ્વીકારે.