કોરોના સંક્રમણને કારણે આ વર્ષે પણ કાવડ યાત્રા નહીં યોજાય. ઉત્તરાખંડ સરકારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાન રાખી કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે પાડોશી રાજ્યથી આવતા કાવડિયાઓને વિનંતી કરી છે કે, આ વર્ષે તેઓ કાવડ સાથે ઉત્તરાખંડના કોઈપણ શહેરમાં પ્રવેશ કરે નહીં. કુમારે જણાવ્યું કે, આગામી સમયમાં યુપી-ઉત્તરાખંડ બોર્ડરને આ જ કારણે અમુક સમય માટે સીલ કરવામા આવશે.હરિદ્વારા કુંભ મેળામાંથી બોધપાઠ લેતા ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાવડ યાત્રા માટે મંજૂરી આપી છે. એવું મનાય છે કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આ મુદ્દે વાત કરી હતી. ઉત્તરાખંડના ડીજીપીએ ચેતવણી આપી છે કે, કાવડ યાત્રા યોજનારા શ્રદ્ધાળુઓ વિરુદ્ધ મહામારી એક્ટ હેઠળ કેસ નોંધવામા આવશે અને તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામા આવી શકે છે.
