લખનૌઃ ઉત્તર પ્રદેશથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મોહનલાલગંજ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સાંસદ કૌશલ કિશોરીની મોટી પૂત્રવધીએ પોતાની હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, પુત્રવધૂને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવતા તેનો જીવ બચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સાંસદની મોટી પૂત્રવધૂ અંકિતાએ સાંસદના ઘરની બહાર હાથની નસ કાપી લીધી હતી. આત્મહત્યાના પ્રયાસ પહેલા રવિવારે અંકિતાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અંકિતાએ પતિ આયુષ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અંકિતાએ કહ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
હૉસ્પિટલમાં અંકિતાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, તેણે આયુષના ઘરની બહાર જ બ્લેડથી નસ કાપી. તે સમયે આયુષની માતા અને અન્ય લોકો જ બહાર આંટા મારી રહ્યા હતા. કોઈએ મને રોકવાનો પ્રયાસ ન કર્યો. દોઢ કલાક બાદ પોલીસ આવી.
વાયરલ વીડિયોમાં અંકિતા રડતી જોવા મળી રહી છે. સાથોસાથ પોલીસ અને આયુષના ઘરવાળા પર ગંભીર આરોપ લગાવી રહી છે. વીડિયોમાં અંકિતાએ કહ્યું, ‘તે ક્યારની રાહ જોઈ રહી હતી કે આયુષ તેની પાસે આવશે. રવિવારે આયુષ મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આયુષને મળવા માટે હું પોલીસ સ્ટેશને પણ ગઈ હતી, પરંતુ પોલીસે એવું કહીને ના પાડી કે તે આવ્યો નથી. દરેક વ્યક્તિ મળી રહી છે. આયુષ પોલીસ સ્ટેશનમાં જ હતો, પરંતુ મળ્યો નહીં.’
અંકિતા વીડિયોમાં વધુમાં કહી રહી છે, તુ (આયુષ) પોતે કહેતો હતો કે ઘરવાળા મને પ્રેમ નથી કરતા. હું દરેક પગલે તારી સાથે રહીશ, પરંતુ તેં મારું બધું જ છીનવી લીધું. તેં તો કંઈ ગુમાવ્યું નથી. તું તારા ઘરવાળા પાસે પાછો જતો રહ્યો.
મારા વિશે વિચાર્યું નહીં. ભાડું પણ ભરવાનું બાકી છે. ગેસ સિલિન્ડર પણ નથી. મેં ખાધું છે કે નહીં, તેં એ વિશે ક્યારેય પૂછ્યું પણ નથી. હવે હું જઈ રહી છું….ખૂબ દૂર. તુ યાદ રાખજે. મારી ભૂલ થઈ ગઈ જે તારી સાથે હતી.