મૈનપુરી: ઉત્તર પ્રેદશના મૈનપુરી ગ્રામ પંચાયત ચૂંટણીમાં એક હૃદયદ્રાવક ઘટના જોવા મળી હતી. અહીં એક મહિલા ચૂંટણીનો જંગ તો જીતી ગઈ પરંતુ કોરોના સામે જંગ હારી ગઈ હતી. બનાવ મૈનપુરીના કુરાબલી બ્લૉક ગ્રામ પંચાયતનો છે. અહીં પ્રધાન પદ માટે ચૂંટણી લડી રહેલી એક મહિલાનું ત્રણ દિવસ પહેલા નિધન થયું હતું. આ જે સવારે ચૂંટણી પરિણામ આવ્યું ત્યારે મૃતક મહિલા ચૂંટણીનો જંગ જીતી ગઈ હતી.
મૈનપુરીની ગ્રામ પંચાયત નગલા ઉસરના પ્રધાન પદ માટે પિન્કી દેવીએ ઉમેદવારી કરી હતી. મતદાન પણ સારી રીતે પૂર્ણ થયું હતું પરંતુ ગત બુધવારે પિન્કીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. શ્વાસ લેવામાં તકલીફ થવાથી પરિવારના લોકો તેણીને આગ્રાની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
અહીં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન પિન્કીનું નિધન થયું હતું. આજે મતગણતરી થઈ ત્યારે માલુમ પડ્યું કે તેની 115 વોટથી જીત થઈ છે. જોકે, જીત છતાં પરિવારના લોકો અને નજીકના સંબંધીઓ દુઃખી હતા. મતગણતરીનું પરિણામ આવ્યું ત્યારે તમામની આંખો છલકાઈ ગઈ હતી.
આ બેઠક પર ઉમેદવારનું નિધન થવાથી હવે અહીં ફરીથી ચૂંટણી યોજાશે. આ માટે ફરીથી તારીખ જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીની મતગણતરી બીજા દિવસે પણ ચાલુ છે. અત્યારસુધી 70 ટકા પરિણામ જાહેર થઈ ચૂક્યા છે.
આજ સાંજ સુધી પરિણામ સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણીમાં દિગ્ગજોએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. આ ક્રમમાં મૈનપુરી જિલ્લામાં યાદવ પરિવારમાંથી બળવો કરીને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલી મુલાયમસિંહ યાદવની ભત્રીજી સંધ્યા યાદવની હાર થઈ છે.