નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં દિલ્હી ભાજપ હાઈકમાન્ડના ઈશારે ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવારે રાજીનામું આપ્યા બાદ એક જ દિવસમાં નવા સીએમની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તરાખંડમાં ધારાસભ્યોની નારાજગીને પગલે હાઈકમાન્ડે ગઈકાલે નેતૃત્વમાં બદલાવ કરવાનો નિર્ણય કરી લીધો હતો. ગઈકાલે ત્રિવેન્દ્ર રાવતે રાજભવન જઈને બેબી રાની મૌર્યને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
તીરથ સિંહ રાવત હાલમાં પૌડી ગઢવાલથી સાંસદ છે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાંજે 4 વાગ્યે ઉત્તરાખંડમાં તેમનો શપથગ્રહણ સમારોહ યોજાશે. તીરથ સિંહ અંગે રસપ્રદ બાબત એ છે કે તેઓ પણ લો-પ્રોફાઈલ નેતા છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતની જેમ પ્રજા વચ્ચે ખાસ ઈમેજ નથી ધરાવતા.
તીરથ સિંહ પણ સંગઠન નિષ્ણાત હોવાનું જણાય છે. 2017માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિવેન્દ્ર સિંહ રાવતને આ પદ માટે પસંદ કર્યા હતા.
હવે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ગઈ છે ત્યારે 10 નેતા રાજ્યપાલને મળવા જવાના છે જેમાં તીરથ સિંહ રાવત, મદન કૌશિક, અરવિંદ પાંડેય, હરક સિંહ રાવત, સતપાલ મહારાજ, હરબંસ કપૂર, ગણેશ જોશી, સુબોધ ઉનિયાલ અને રમેશ પોખરિયાલ નિશંકનો સમાવેશ થાય છે.
ત્રિવેન્દ્ર સિંહ રાવતની વાત કરીએ તો તેમના અનેક નિર્ણયોને લઈ પાર્ટીની અંદર નારાજગી હતી. પરંતુ એક નિર્ણયે સૌથી વધુ વિવાદ ઊભો કર્યો. આ નિર્ણય હતો ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ. આ બિલને લઈ બીજેપી નેતાઓ ઉપરાંત આરએસએસ અને વીએચપીમાં પણ નારાજગી હતી. અ તમામનું માનવું હતું કે રાજ્ય સરકારે મંદિરોના નિયંત્રણ કરવાથી દૂર રહેવું જોઈએ. જ્યારે ત્રિવેન્દ્ર સિંહનું માનવું હતું કે સરકારી નિયંત્રણના માધ્યમથી મંદિરોનું પ્રબંધનને વધુ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી શકે છે.