નવી દિલ્હીઃ અનામત અંગે દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારના આંદોલનો થતા રહે છે ત્યારે કેટલાક અનામતના કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રદ કરી દીધું અને કહ્યું કે મરાઠા અનામત 50 ટકાથી વધુ ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સમાનતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે અનામતની સીમા 50 ટકા પર નક્કી કરવાના 1992ના મંડલ નિર્ણયને બેન્ચની પાસે મોકલવાનો ઇન્કાર કરી દીધો. સાથોસાથ કોર્ટે સરકારી નોકરીઓ અને એડમીશનમાં મરાઠા સમુદાયને અનામત આપવા સંબંધી મહારાષ્ટ્રના કાયદાને રદ કરતાં તેને ગેરબંધારણીય કરાર કર્યો.
બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારનારી અરજીઓ પર પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ઈન્દિરા સાહનીના નિર્ણય પર ફરી વિચાર કરવાનું કારણ નથી મળ્યું. જસ્ટિસ અશોષ ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવીન્દ્ર ભટની પાંચ-જજોની બંધારણીય બેન્ચે આ મામલા પર ચુકાદો સંભળાવ્યો.
સુપ્રીમ કોર્ટ મુજબ, મરાઠા સમુદાય શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત નથી, તેથી તેમને અનામત ન આપી શકાય. સાથોસાથ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અનામતની સીમા 50 ટકાથી વધુ ન હોઈ શકે. મહારાષ્ટ્રે અનામતની આ લક્ષ્મણ રેખાને ઓળંગી દીધી હતી.
પાંચ જજોની બેન્ચે ચાર અલગ-અલગ ચુકાદા આપ્યા છે. પરંતુ તમામે સ્વીકાર્યું કે મરાઠા સમુદાયને અનામત ન આપી શકાય. અનામત માત્ર પછાત વર્ગને આપવામાં આવી શકે છે. મરાઠા સમુદાય આ કેટેગરીમાં નથી આવતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જસ્ટિસ ગાયકવાડ કમિશન અને હાઇ કોર્ટે બંનેએ અસાધારણ સ્થિતિમાં અનામત આપવાની વાત કહી છે. પરંતુ બંનેએ નથી જણાવ્યું કે મરાઠા અનામતમાં અસાધારણ સ્થિતિ શું છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રની પાસે મરાઠાઓને અનામત આપવાની કાયદાકીય ક્ષમતા છે અને તેનો નિર્ણય બંધારણીય છે, કારણ કે 102મું સંશોધન કોઈ રાજ્યને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (એસઇબીસી)ની યાદી જાહેર કરવાની શક્તિથી વંચિત નથી કરતી.
વર્ષ 2018માં લાવવામાં આવેલા 102મા બંધારણીય સંશોધન કાયદામાં આર્ટિકલ 338 B, જે રાષ્ટ્ર પછાત વર્ગ આયોગના માળખા, જવાબદારી અને શક્તિઓ સંબંધિત છે, તથા આર્ટિકલ 342 A, જે કોઈ ખાસ જાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવાની રાષ્ટ્રપતિની શક્તિ અને યાદીમાં ફેરફારની સંસદની શક્તિથી સંબંધિત છે, લાવવામાં આવ્યા હતા.