નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની કપરી પરિસ્થિતિ વચ્ચે આસામ અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. જે પૈકી બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ થયું છે.
બંગાળની 30 બેઠક પર આજે 75 લાખ મતદારો 191 ઉમેદવારના ભવિષ્યનો ફેંસલો કરશે. આ તબક્કામાં તમામની નજર હાઇપ્રોફાઇલ નંદીગ્રામ બેઠક પર છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ભારતીય જનતા પાર્ટીના શુવેન્દૂ અધિકારી મેદાનમાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચૂંટણી પંચ તરફથી હાલ 10,620 મતદાન કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સુરક્ષા બળોએ આશરે 651 કંપની તૈનાત કરી છે. નંદીગ્રામમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
આસામમાં 39 બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં પાંચ મંત્રી, વિધાનસભાના અધ્યક્ષ અને વિપક્ષના મુખ્ય નેતાઓનું ભવિષ્ય આજે ઈવીએમમાં કેદ થશે. આ તબક્કામાં 26 મહિલાઓ સહિત 345 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન તમામ લોકોની નજર નંદીગ્રામ બેઠક પર છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુવેન્દુ અધિકારી ટીએમસીમાંથી બીજેપીમાં જોડાયા છે. શુવેન્દુ બંગાળના પૂર્વ મંત્રી અને ટીએમસીના કદાવર નેતા રહી ચૂક્યા છે. બીજેપીએ તેમને નંદીગ્રામ બેઠક પરથી તૃણમૂલ સુપ્રીમો મમતા બેનરજી સામે મેદાનમાં ઉતાર્યાં છે.
પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસને આ વખતે ભારતીય જનતા પાર્ટી કાંટાની ટક્કર આપી રહી છે. રાજ્યમાં 274 વિધાનસભાની બેઠક માટે 27મી માર્ચથી 29 એપ્રિલ વચ્ચે આઠ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ફક્ત પાંચ જિલ્લાની 30 બેઠક માટે મતદન યોજાયું હતું. બીજા તબક્કામાં પણ 30 બેઠક માટે મતદાન યોજાયું છે.