અમરનાથની યાત્રા કરનારા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. અમરનાથ યાત્રાનું સંચાલન કરતા શ્રી અમરનાથ શ્રી શ્રાઈન બોર્ડ દ્વારા બાબા બર્ફાનીની યાત્રા માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ તારીખો જાહેર કરતા જણાવ્યું હતું કે, આ વખતે અમરનાથ યાત્રા 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી ચાલશે.
આ વખતે ખાસ મહત્વનું છે કે આ યાત્રાનો રુટ ટૂંકાવવામાં આવ્યો છે. આ યાત્રા માત્ર બાલાટાલ રૂટથી કરાવવાનો નિર્ણય કરાયો છે. સામાન્ય રીતે યાત્રાનો પારંપરિક રસ્તો પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને જાય છે.
મળતી માહિતી પ્રમાણે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે રાજભવનમાં બોર્ડ સભ્યોની બેઠક કરી. જેમાં યાત્રાના શિડ્યૂલની સાથે જ અનેક જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરી. અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી જોવા મળતા યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકપણ પાલન કરાવવામાં આવશે.
કોરોનાને પગલે ગત વર્ષે અમરનાથ યાત્રાને લઈને ઘણી જ અસમંજસતા જોવા મળી હતી. જમ્મુના રાજભવનમાં 22 એપ્રિલ સુધી યાત્રા કરાવવી કે નહીં તે અંગે હાં-ના હાં-ના જોવા મળતી હતી. પહેલાં રાજભવને અમરનાથ યાત્રા મોકૂફ કરવાની જાણકારી આપી હતી, પરંતુ બાદમાં પ્રેસ રિલીઝ કરીને તેને કેન્સલ જ કરી દિધી હતી.
કલાક પછી વધુ એક પ્રેસ રિલીઝ કરતા ચોખવટ કરી હતી કોરોનાને કારણે નિશ્ચિત તારીખમાં યાત્રા કરાવવાનું શક્ય નથી. જો કે ત્યારે પણ યાત્રા થશે કે નહીં તે અંગે બાદમાં નિર્ણય લેવાશે તેવી વાત કરાઈ હતી. સ્થિતિને જોતા અંતે યાત્રા રદ જ કરવામાં આવી હતી.