જમ્મુકાશ્મીરમાં આતકી પ્રવૃતિઓમાં ચિંતાજનક રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે,મંગળવારે કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. આને લઈને ઘાટીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા એક હિન્દુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ પછી કાશ્મીરી પંડિતો ફરી એકવાર ઉકળી ઉઠ્યા છે. કાશ્મીરી પંડિતો ઘાટીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્સન કરી રહેલા લોકોએ ચેતવણી આપી હતી કે જો જમ્મુ અને કાશ્મીર સરકાર 24 કલાકની અંદર તેમને સુરક્ષિત સ્થાનો પર સ્થળતાંરિત કરવાનો યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ ખીણમાંથી જૂથોમાં સ્થળાંતર કરશે. કાશ્મીરમાં વડાપ્રધાનના રોજગાર પેકેજ હેઠળ કામ કરતા કાશ્મીરી પંડિતો કામનો બહિષ્કાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેઓ ઘાટીમાં કેદીઓનું જીવન જીવવા માંગતા નથી. તેથી તેમને ખીણમાંથી બહાર ખસેડવા જોઈએ. સરકાર તેમને મોટા-મોટા આશ્વાસન આપે છે, પરંતુ આનાથી તેમનો જીવ સુરક્ષિત નથી.
શ્રીનગરના બટવારા વિસ્તારમાં કાશ્મીરી પંડિતોએ રસ્તો બંધ કરી દીધો છે. અહીં તેઓએ તેમની માંગણી માટે જોરથી સૂત્રોચ્ચાર કરતા રોડ બ્લોક કરી દીધો છે. જેના કારણે રોડની બંને બાજુ બ્લોક થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.