કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે 16 એપ્રિલથી એક લાખ આયુષ્માન ભારત-સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWCs) માં ટેલિ-કન્સલ્ટેશન સુવિધા ‘ઇ-સંજીવની’ શરૂ થશે.
માંડવિયાએ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે AB-HWC અને ટેલી-કન્સલ્ટેશન સેવાઓની કાર્યકારી સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ડિજિટલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે શુક્રવારે હિન્દીમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ‘હવે સામાન્ય નાગરિકો દેશના મોટા ડોક્ટરની સલાહ પણ લઈ શકશે! આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની 4થી વર્ષગાંઠ નિમિત્તે 16 એપ્રિલે 1 લાખ કેન્દ્રો પર ‘ઈ-સંજીવની ટેલિ-કન્સલ્ટેશન’ સુવિધા શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આયુષ્માન ભારત’ના સંકલ્પને સાબિત કરી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1.1 લાખ કેન્દ્રોના લક્ષ્યાંક સામે માર્ચના અંત સુધીમાં દેશભરમાં 1,17,440 AB-HWCનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.