બિહારના પૂર્વ મખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવે તેમના પત્ની ઐશ્વર્યાને તલાકની અરજી પાછી ખેંચી લીધી છે. એનડીટીવીની સમાચાર મુજબ, તેજ પ્રતાપ યાદવના સલાહકારે આ માહિતી આપી. લગ્નના છ મહિના પછી તેજ પ્રતાપે ગત પહેલી નવેમ્બરે પાટણી કોર્ટમાં તલાકની અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ તએઓ જાહેર જીવનથી ગાયબ હતા.
થોડાંક દિવસ પહેલાં તેજ પ્રતાપે ટવિટ કર્યું હતું કે જે તૂટી ગયું છે તે ફરી જોડી શકાય એમ નથી. હિન્દીમાં તેમણે લખ્યું હતું કે ટૂટે સે ફિર ન જૂડે, જૂડે ગાંઠ પરિ જાય. આ ટવિટને તેજ પ્રતાપની તલાક અરજીથી પીછેહઠ ન થવાની નિશાની રૂપે જોવામાં આવી રહ્યું હતું. સુનાવણીના કેટલાક દિવસ પહેલાં જ તેમણે ટવિટ કરતાં એવું લાગતું હતું કે તેઓ તલાક આપીને જ રહેશે. જોકે, સુનાવણીના દિવસે સમાચાર મળી રહ્યા છે કે તેજ પ્રતાપે પોતાનો ઈરાદો બદલી નાંખ્યો છે.
તલાકની અરજી આપતી વખતે તેજ પ્રતાપે કહ્યું હતું કે તેઓ ઐશ્વર્યા સાથે વઘુ સમય રહી શકે એમ નથી. રિબાઈ-રિબાઈને જીવવાનો કોઈ અર્થ નથી. ઐશ્વર્યા રાજદના વરિષ્ઠ નેતા ચંદ્રીકા રાયના પુત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયના પૌત્રી છે. 12મી મેના દિવેસ ધામધૂમથી બન્નેના લગ્ન લેવાયા હતા. તલાક માટે તેજપ્રતાપે અંગત કારણો આપ્યા હતા.
દિકરાના નિર્ણયથી નારાજ થઈને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ આ વર્ષેં છઠ પૂજા યોજી ન હતી. તેજ પ્રતાપ ચેતવણી આપી ચૂક્યા હતા કે તેઓ ત્યારે જ ઘરે પરત ફરશે કે જ્યારે કુટૂંબીજનો તેના નિર્ણયને સાથ આપશે, તેજ પ્રતાપ પોતાના નાના ભાઈ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના જન્મ દિવસે ઘરે પણ આવ્યા ન હતા અને દિવાળીમાં નાના ભાઈની મુલાકાત પણ કરી ન હતી. દિવાળી પર પણ તેજ પ્રતાપ ઘરે પરત ફર્યા ન હતા અને વૃંદાવનમાં દિવાળી ઉજવી હતી.
વૃજ પ્રવાસ દરમિયાન તેજ પ્રતાપે સમગ્ર સમય ગેસ્ટ હાઉસ અથવા તો એકાંતવાસમાં ગાળ્યો હોવાનું કહેવાય છે. તેઓ અલગ અલગ તીર્થધામોની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. બિહારમાં ગાયો વચ્ચે સમય વિતાવ્યો. ચમેલી વન, વૃંદાદેવી, નંદભવન, ગહવર ભવન, પ્રિયા કુંડ, વૃષભાન કુંડ, કીર્તિકુંડ, અસ્ટસખી કુંડ, ખેલવન, ગોકુળ, મહાવન, દાઉજી જેવા તીર્થ સ્થળો પર તેઓ સતત ભ્રમણ કરતા રહ્યા છે.