supreme court: સુપ્રીમ કોર્ટે EDને ફટકારી,કહ્યું, “આરોપો ઘડ્યા વિના વ્યક્તિને લાંબો સમય જેલમાં રાખી શકો નહી”
supreme court: સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને કેસ-ચાર્જશીટ વિના આરોપીઓને જેલમાં રાખવા બદલ ઠપકો આપ્યો હતો. કોલસા કૌભાંડના ED કેસમાં કોર્ટે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના તત્કાલીન ડેપ્યુટી સેક્રેટરી સૌમ્યા ચૌરસિયાને વચગાળાના જામીન આપ્યા હતા. લગભગ દોઢ વર્ષથી જેલમાં રહેલી સૌમ્યાની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જલ ભૂયણની ખંડપીઠમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ભૂઈયાએ કહ્યું કે, તમે મહિલાને પાંચ વર્ષ, સાત વર્ષ કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકો છો? તે એક વર્ષ અને નવ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે, તેની સામે આરોપો ઘડવાના બાકી છે અને ટ્રાયલ હજુ શરૂ થવાની બાકી છે. તમે આરોપો ઘડ્યા વિના વ્યક્તિને કેટલો સમય જેલમાં રાખી શકો છો? કેસની યોગ્યતા પર ટિપ્પણી કર્યા વિના, કોર્ટે ટ્રાયલ કોર્ટની જામીન શરતોને આધીન સૌમ્યાને વચગાળાના જામીન આપ્યા. કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારને વચગાળાના જામીનના આધારે સેવામાં પુનઃસ્થાપિત કરવામાં ન આવે.