Table of Contents
ToggleWaqf Act વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી નિર્ધારિત કરી: કપિલ સિબ્બલ અને સોલિસિટર જનરલ વચ્ચે ઉગ્ર દલીલો
Waqf Act સંસદ દ્વારા પસાર કરાયેલ વકફ સુધારા કાયદાને લઈને દાયકાઓથી ચાલી આવતી ચર્ચા હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. બુધવારના રોજ સુપ્રીમ કોર્ટે વકફ કાયદા સામે દાખલ કરાયેલી અરજીઓ પર મહત્વપૂર્ણ સુનાવણી કરી હતી, જેમાં કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, રાજીવ ધવન સહિતના વરિષ્ઠ વકીલોએ કાયદાની વિવિધ જોગવાઈઓ સામે દલીલો કરી હતી. સુનાવણી પૂર્ણ થયા બાદ મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ જાહેરાત કરી કે હવે ગુરુવારે બપોરે 2 વાગ્યાથી આગળની ચર્ચા થશે.
કયા મુદ્દા ઉપર નોંધપાત્ર દલીલો?
વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે આ કાયદો ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર (કલમ 25 અને 26)ના ઉલ્લંઘન સમાન છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિને તેની મિલકત વકફમાં આપવી હોય તો તેને પાંચ વર્ષ સુધી પોતે મુસ્લિમ હોવાનું પુરાવું આપવું પડે છે – જે યોગ્ય નથી. તેમણે પ્રશ્ન કર્યો કે મુસ્લિમ તરીકે જન્મેલા વ્યક્તિને પોતાનું ધર્મ સાબિત કરવાની જરૂર કેમ પડે?
તે ઉપરાંત, સિબ્બલે વકફ કાઉન્સિલ અને બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોના સમાવેશ સામે વાંધો ઉઠાવ્યો. તેમણે આને ધાર્મિક સંસ્થાઓના વ્યવસ્થાપનના અધિકારનો ભંગ ગણાવ્યો.
CJI સંજીવ ખન્નાની ટિપ્પણીઓ
CJI સંજીવ ખન્નાએ દલીલો સાંભળતી વખતે જણાવ્યું કે “સંસદે હિન્દુઓ માટે પણ કાયદા બનાવ્યા છે અને મુસ્લિમો માટે પણ. કલમ 26 સર્વધર્મ સમભાવના સિદ્ધાંત પર આધારિત છે.”
જ્યારે કેટલાક વકીલોનું કહેવું હતું કે વકફ તરીકે ઘણી મિલકતો ફક્ત “ઉપયોગ”ના આધારે નોંધાઈ છે, ત્યારે CJI એ ઉમેર્યું કે આ મુદ્દાઓ હાઈકોર્ટમાં પણ દાખલ કરી શકાય, જેથી બંને સ્તરે ચર્ચા થઈ શકે.
સરકાર તરફથી શું જવાબ મળ્યો?
સોલિસિટર જનરલે દલીલ કરી કે આ કાયદો સંસદીય પ્રક્રિયા અને JPC (જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી)ની ચર્ચા બાદ બનાવાયો છે. JPC દ્વારા 38 બેઠકો યોજાઈ હતી અને 29 લાખ સૂચનોના આધારે કાયદો ઘડાયો છે.
CJI એ છેલ્લે પૂછ્યું કે અનેક વકફ મિલકતો 13મી-15મી સદીની છે, તો હવે તમે તેમના પાસેથી વેચાણ દસ્તાવેજ માંગો છો તો તેઓ કયા પરથી લાવશે?
આ કેસ હવે ગુરુવારે બપોરે 2 વાગ્યાથી ફરી સુનાવણી માટે રજૂ થશે. દેશના 8 લાખથી વધુ વકફ મિલકતો અને મજહબી અધિકારો સાથે જોડાયેલા આ મામલાનો ફેસલો આગલા વર્ષોમાં દિશા નક્કી કરી શકે છે.