Waqf law વકફ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસનો આક્રોશ: આજ નહીં બોલીએ તો કાલે બધા અધિકારો જશે.
Waqf law સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા વિરુદ્ધ દાખલ પિટિશન પર 17 એપ્રિલ, 2025ના રોજ ફરી સુનાવણી યોજાઈ. આગામી સુનાવણી હવે 5 મેના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. અત્યાર સુધીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્થિતિ યથાવત રાખવા તથા નવા નિમણૂકો, નોંધણી અને ડિનોટિફિકેશન પર અસ્થાયી રોક લગાવી છે.
મુસ્લિમ પક્ષના વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં અને પછી મીડિયાના સંબોધનમાં કેન્દ્ર સરકારની કટાક્ષભરી ટીકા કરી. તેમણે કહ્યું કે વકફ કાયદામાં પ્રસ્તાવિત સુધારા ધાર્મિક સ્વતંત્રતાની સાથે સાથે સ્વ-નિર્ણયના અધિકાર પર પણ સીધો હુમલો છે. “આ કાયદો માત્ર મુસ્લિમ સમુદાયના હકો માટે નહીં, પણ સંવિધાનના મૂળ તત્ત્વો માટે પણ ગંભીર પડકાર છે,” એમ તેમણે સ્પષ્ટ કહ્યું.
સિંઘવીએ આરોપ મૂક્યો કે સરકારે અનેક જગ્યાએ પોતે જ વકફ જમીનો પર અતિક્રમણ કર્યું છે અને હવે તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ છે. “આ અધિનિયમની કલમ 3(R), જે વપરાશકર્તા દ્વારા વકફ માની લેવાની પ્રક્રિયા હતી, તેને કાયદામાંથી કાઢી નાખવામાં આવી છે – જે અત્યંત ગંભીર બાબત છે,” એમ તેમણે ઉમેર્યું.
કોંગ્રેસના નેતાએ ચેતવણી આપી કે જો આજે અવાજ ઉઠાવવામાં નહીં આવે, તો આવનારા સમયમાં અન્ય ધર્મો અને લઘુમતી સમુદાયોના અધિકારો પણ છીનવાઈ શકે છે. “આજે વકફ છે, કાલે કોઈ બીજું… અને તેથી જ આ લડત માત્ર એક સમુદાય માટે નહીં, પણ તમામ નાગરિક હકો માટે છે,” એમ સિંઘવીએ જણાવ્યું. સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પણ સુપ્રીમ કોર્ટના વચગાળાના નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આગામી સુનાવણીમાં વધુ રાહત મળશે.
વકફ કાયદાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલતી કાર્યવાહીએ રાજકીય ગરમાવો વધાર્યો છે, જ્યાં સરકારના પગલાંએ ધાર્મિક અને રાજકીય બંને સ્તરે પ્રતિક્રિયા જગાવી છે.