Sidhu Moosewala : સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. પોસ્ટ દ્વારા બલકૌર સિંહે પંજાબ સરકાર પર તેમની ખુશીમાં ભંગ પાડવાનો આરોપ લગાવ્યો છે. બલકૌર સિંહનું કહેવું છે કે તેમના બીજા પુત્રના જન્મથી જ ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર તેમને પરેશાન કરી રહી છે. તમને યાદ અપાવીએ કે દિવંગત ગાયકના નિધનના બે વર્ષ બાદ તેમની માતા ચરણ કૌર સિંહે 17 માર્ચે બીજા બાળકને જન્મ આપ્યો હતો.
મંગળવારે બલકૌર સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે, “વાહગુરુના આશીર્વાદને કારણે, અમને અમારો શુભદીપ (સ્વર્ગીય ગાયક સિદ્ધુ મૂઝવાલાનું નામ) પાછો મળ્યો. પરંતુ, સરકાર સવારથી મને બાળકના દસ્તાવેજો રજૂ કરવાનું કહીને હેરાન કરી રહી છે. તે મને સાબિત કરવા કહે છે કે આ બાળક કાયદેસર છે. તમને જણાવી દઈએ કે, બલકૌર સિંહ અને ચરણ કૌર સિંહે બાળકને જન્મ આપવા માટે IVF (ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન) નો ઉપયોગ કર્યો છે. જોકે, બલકૌર સિંહે તેનો ઉલ્લેખ કર્યો નથી.
હકીકતમાં, ત્રણ વર્ષ પહેલા સરકાર આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ લાવી હતી. આ કાયદા દ્વારા, સરકારે IVF પ્રક્રિયા માટે વય મર્યાદા નક્કી કરી હતી. કાયદા હેઠળ, ફક્ત 21-50 વર્ષની વયની મહિલાઓ અને 21-55 વર્ષની વયના પુરુષો IVF નો ઉપયોગ કરી શકે છે. પરંતુ ઈન્ટરનેટ પર સિદ્ધુ મૂઝવાલાની માતાની ઉંમર 58 વર્ષ જણાવવામાં આવી રહી છે.
બલકૌર સિંહે કહ્યું, “હું સરકારને, ખાસ કરીને મુખ્યમંત્રી ભગવંત માનને વિનંતી કરવા માંગુ છું કે, તમામ સારવાર પૂરી કરવા દેવામાં આવે. હું અહીંનો છું અને જ્યાં પણ તમે મને (પ્રશ્ન માટે) બોલાવો ત્યાં હું આવીશ.” બલકૌર સિંહે એમ પણ કહ્યું કે તેમણે તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કર્યું છે અને ટૂંક સમયમાં જ તમામ દસ્તાવેજો સબમિટ કરશે.