કાશી પીઠના શંકરાચાર્યએ ભાજપની રામ મંદિર અંગેની ઈચ્છાશક્તિ પર આરોપ મૂક્તા કહ્યું કે ભાજપની મંશા મંદિર નિર્માણને લઈ પ્રમાણિક નથી. ભાજપ તો માત્ર 2019ની ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે આવા સ્ટંટ કરાવી રહ્યો છે અને મંદિર મુદ્દાને ઉછાળી રહ્યો છે. હનુમાનજી અંગે રાચરિત માનસમાં લખાયું છે કે કાંધે મૂજ જનેઉ સાજે. આનો સીધો મતલબ થાય છે કે હનુમાન બ્રાહ્મણ હતા, દલિત ન હતા.
શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદે કહ્યું કે કાયદો બનાવી રામ મંદિર અંગેનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકાવો જોઈએ. જેના આધારે મંદિર નિર્માણનો રસ્તો આસાન થઈ શકે. પરંતુ ભાજપ સરકાર એવું ન કરી માત્ર મુદ્દાને મીડિયા અને પ્રદર્શનોમાં મારફત ઉછાળી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વટહુકમ લાવવાની પાયાવિહોણી વાત પણ સમયે સમયે ઉછાળવામાં આવે છે. હકીકતમાં વટહુકમ રામ મંદિર માટે પ્રાસંગિક રહેશે નહીં. કારણ કે રામલલ્લા માટે 67 એકર જમીન પહેલાંથીજ સંપાદિત કરી દેવામાં આવી છે.
શંકરાચાર્ય સ્વરૂપાનંદજી કહ્યું કે જે જગ્યાને બાબરી મસ્જિદ ઠેરવવામાં આવી છે તે બાબરી મસ્જિદ હતી જ નહી. જોકે, ભાજપ અને વિહિપના આ દાવાને સુન્ની વકફ બોર્ડે ફગાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં જમીનના ટાઈટલની સુનાવણી ચાલી રહી છે. ઈલાહાબાદ હાઈકોર્ટે જમીનના ત્રણ હિસ્સા કર્યા છે અને આસ્થાના વિષય પર જજમેન્ટ આપ્યો હતો.
તેમણે કહ્યું કે ત્રણ હજાર કરોડ ફૂંકીને સરકાર સરદાર પટેલની પ્રતિમા બનાવી શકે છે પરંતુ મંદિર બનાવી શકતી નથી. અને આના માટે ભાજપ મંદિરના બદલે રામની વિશાળ મૂર્તિ બનાવવા માંગે છે.
શંકરાચાર્ય સ્વરુપાનંદે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનને દલિત સંબોધન કરવાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું તે ત્રેતાયુગમાં દલિત શબ્દ હતો જ નહીં. સૌ પ્રથમ મહત્મા ગાંધીએ વંચિત વર્ગ માટે હરિજન શબ્દનો ઉપયોગ કર્યો હતો અને બાદમાં માયાવતીએ દલિત શબ્દનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું.