ચાલુ વર્ષે રથયાત્રામાં પોલીસ જવાનોની સાથે લશ્કરી-અર્ધ લશ્કરી દળની 40 કંપની, જેલ પોલીસ, એસીબી, ઓએનજીસી સહિત સુરક્ષા એજન્સીઓ મળીને 25 હજારથી વધુ જવાનો તહેનાત રહેશે. ગોધરાકાંડ બાદના તોફાનો,પાટીદાર આંદોલન અને અત્યાર સુધી નીકળેલી રથયાત્રા કરતાં ઘણો વધારે બંદોબસ્ત ચાલુ વર્ષે રથયાત્રામાં રહેશે. ચાલુ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તે હજુ નક્કી થયું નથી અને નીકળશે તો પણ તે માત્ર 3 રથ સાથે જ નીકળશે પરંતુ પોલીસ તરફથી રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ એસઆરપીએફ અને સીઆરપીએફની 40 કંપની ફાળવવા ડીજીપી ઓફિસમાં માંગણી કરી છે. આ સાથે એસીબી, જેલ પોલીસ, કેવડિયા કોલોની તેમજ ઓએનજીસીમાં ફાળવવામાં આવેલા સુરક્ષા કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસ કમિશરની માંગણીને ધ્યાનમાં રાખીને આ તમામ ફોર્સ તા.17 જૂને અમદાવાદને ફાળવી દેવાશે અને તા.24 જૂન સુધી એટલે કે રથયાત્રા પતે નહીં ત્યાં સુધી અમદાવાદમાં જ રથયાત્રાના બંદોબસ્ત માટે રહેશે, જેથી 17 જૂનથી જ લશ્કરી – અર્ધલશ્કરી દળની 40 ટુકડીઓ જગન્નાથ મંદિર તેમજ રથયાત્રાના રૂટને પોતાના હસ્તક કરી લેશે.