Roads in Factories ફેક્ટરીમાં બનશે ભારતના રસ્તાઓ! નીતિન ગડકરીએ આપી નવી ટેકનોલોજીથી વિકાસની દિશા
Roads in Factories કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં માર્ગ બાંધકામમાં ટેકનોલોજી દ્વારા ક્રાંતિ લાવવાનો સંકેત આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં આયોજિત કાર્યક્રમમાં ગડકરીએ જાહેરાત કરી કે હવે પરંપરાગત પદ્ધતિએ નહીં, પરંતુ ફેક્ટરીમાં રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. નવી ટેકનોલોજી ઉપયોગથી રસ્તાના બાંધકામની ઝડપ, ગુણવત્તા અને ખર્ચ બધાં પર અસરકારક ફેરફાર થશે.
ગડકરીએ જણાવ્યુ કે મલેશિયાની અદ્યતન પ્રી-કાસ્ટ ટેકનોલોજી અંતર્ગત રસ્તાના પ્રી-કાસ્ટ ડ્રેનેજ અને માળખાકીય ઘટકો ફેક્ટરીમાં બનાવાશે. ફીલ્ડ પર માત્ર કોંક્રિટ મિક્સ ભાગ તૈયાર કરાશે. આ પદ્ધતિએ સિંગાપોર અને ચેન્નાઈ મેટ્રોમાં સફળતા મેળવી છે, જ્યાં ઘણી કરોડોની બચત થઈ છે. તેઓએ જણાવ્યું કે 120 મીટરના અંતરે ફક્ત બે થાંભલાની જરૂર પડે છે, જેનાથી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
માર્ગ સલામતી પર ભાર આપતા ગડકરીએ કહ્યું કે હવે ડિવાઇડરની ઊંચાઈ વધારીને ત્રણ ફૂટ કરવામાં આવશે અને રસ્તાની બાજુએ દિવાલો પણ બનાવાશે. તેઓએ જણાવ્યું કે પ્રી-કાસ્ટ ડ્રેનેજ હવે ફરજિયાત રહેશે, જેના કારણે પાણીના વહન અને રસ્તાની મજબૂતીમાં વધારો થશે.
ઉત્તર પ્રદેશમાં આ ટેકનોલોજી વહેલી તકે લાગુ કરવા માટે ગડકરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી. તેમણે દાવો કર્યો કે 2047 સુધી ભારતના રસ્તાઓ અમેરિકાને પણ પાછળ છોડી દેશે.
ગડકરીએ વહીવટી સમસ્યાઓને લઈને પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મંત્રાલયમાં ફાઇલો ધીમી ગતિથી આગળ વધે છે અને કોન્ટ્રાક્ટરોને બેંક ગેરંટી પરત કરવામાં સમય લાગે છે. તેમણે અધિકારીઓને ઝડપથી નિર્ણયો લેવા અને વિલંબ ઘટાડવા સૂચના આપી.
અંતે, ગડકરીએ ઓટોમેટેડ અને ઇન્ટેલિજન્ટ મશીન-આસિસ્ટેડ કન્સ્ટ્રક્શન (AIMC) ટેકનોલોજી અપનાવવા પર ભાર આપ્યો, જે બાંધકામની દરેક પ્રક્રિયાને રીઅલ ટાઇમ ડેટા સાથે વધુ અસરકારક બનાવી દેશે.