નવી દિલ્હીઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સારા સમાચાર મળી રહ્યા છે. લાંબા સમય બાદ આપણા બધા માટે રાહતના સમાચાર છે. દેશમાં કોરોના દર્દીઓની રિકવરીની ગતિ એક દિવસમાં 111.20% વધી છે. શુક્રવારે 24 કલાકની અંદર રેકોર્ડ 2 લાખ 20 હજાર 382 લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં એક દિવસમાં સ્વસ્થ થતાં દર્દીઓની દુનિયામાં આ સૌથી મોટો આંક છે. આ પહેલાં ગુરુવારે એક દિવસમાં રેકોર્ડ 1 લાખ 98 હજાર 180 લોકો સાજા થયા હતા. બુધવારે 1.92 લાખ લોકો સાજા થયા હતા.
જોકે ચિંતાની વાત છે કે કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. શુક્રવારે દેશમાં રેકોર્ડ 3 લાખ 44 હજાર 949 નવા દર્દીઓ મળી આવ્યા હતા. ગયા વર્ષથી આજ સુધી દેશમાં એક જ દિવસમાં આ નવા દર્દીઓની સંખ્યા સૌથી મોટી છે. શુક્રવારે, 2,620 લોકો સંક્રમણથી મૃત્યુ પામ્યા હતા. એક દિવસમાં થયેલાં મોતનો આ નવો રેકોર્ડ છે.
દેશમાં કોરોનાના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો, પરંતુ વસતિની દૃષ્ટિએ ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે. આ મામલે આપણે વિશ્વમાં 119મા નંબર પર છીએ, જ્યાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે.
એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે દેશમાં સારવાર લેતા દર્દીઓ આજે 25 લાખને પાર થઈ ગયા છે. દેશમાં હાલમાં 25 લાખ 43 હજાર 914 દર્દી સારવાર લઈ રહ્યા છે. શુક્રવારે એમાં 1 લાખ 21 હજાર 770નો વધારો થયો છે.
મળતી માહિતી પ્રમાણે, ભારતમાં દર 10 લાખ વસતિમાં 11,936 લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને 136 લોકોનાં મોત થઈ રહ્યાં છે. આટલી જ સમાન વસતિમાં અમેરિકામાં 98,000, બહરીનમાં 96,000, ઇઝરાયેલમાં 91,000, ફ્રાન્સમાં 83,000, બેલ્જિયમમાં 82,000, સ્પેનમાં 74,000 અને બ્રાઝિલમાં 66,000 લોકો સંક્રમિત મળી રહ્યા છે. અહીં વસતિ દ્વારા મોતનો આંકડો પણ ઘણો વધારે છે, તેથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં હજી પણ સંક્રમણ નિયંત્રણમાં છે. જો તમે થોડી સાવધાની અને તકેદારી રાખશો, તો એને વધુ ઘટાડી શકાય છે.