રિઝર્વ બેન્કે અપેક્ષા પ્રમાણે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેન્કની 6 સભ્યોની મોનેટરી કમિટી(એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા મીટીંગમાં રેપો રેટને 6.5 ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્કે વર્તમાન વિત્તીય વર્ષમાં જીડીપી ગ્રોથના દરને 7.4 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.
આ વર્ષે પાંચમી મોનેટરી સમીક્ષા બાદ એમપીસીએ રિવર્સ રેપો રેટ અને બેન્ક રેટને પણ અનુક્રમે 6.25 અને 6.75 પર કાયમ રાખ્યા છે. આ વખતે એમપીસીની બેઠક ત્રીજી ડિસેમ્બરથી શરૂ થઈ હતી.
પાછલી દ્વિમાસિક મોનેટરી પોલિસીની સમીક્ષામા આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા રાખવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય બેન્કે તે વખતે ચેતવણી આપતા કહ્યું હતું કે ક્રુડ ઓઈલના ભાવમાં અપ-ડાઉન અને વૈશ્વિક નાણાકીય સ્થિતિ ખરાબ થવાના કારણે આર્થિક રીતે જોખમ ઉભું થયેલું છે.
હકીકતમાં પાછલી મોનેટરી પોલિસીની જાહેરાત બાદ અમેરિકાના ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂતત બન્યો હતો અને 70 સુધી નીચે આવી ગયો હતો. વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવ પણ ઘટ્યા હતા અને 86 પ્રતિ બેરલથી નીચે આવી 60 ડોલર પર પહોંચ્યા હતા. જોકે, આર્થિક વૃદ્વિ દર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટીને 7.1 ટકા પર આવી પહોંચ્યો હતો. આ પૂર્વેના ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં વૃદ્વિ દર બે વર્ષના સૌથી ઉંચા લેવલ એટલે કે 8.2 સુધી પહોંચી ગયો હતો. ફળ, શાકભાજી, ઈંડા અને માછલી જેવા પ્રોટીનવાળા ખાદ્ય પદાર્થો સસ્તા થવાના કારણે છૂટક ફૂગાવો ઓક્ટોબર મહિનામાં 3.31 ટકા રહ્યો હતો, જે એક મહિનાનાં સૌથી નીચા દરે હોવાનું મનાય છે.