દશેરના પર્વ નિમિત્તે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહી હતી. રીવાબાની હાજરીમાં ક્ષત્રિય મહિલાઓએ તલવારબાજી સાથે ગરબા અને રાસ રમ્યા હતા.
ગરબા મહોત્સવ દરમિયાન ક્ષત્રિય સમાજે ચોંકાવી દે તે રીતે રીવાબાને કરણી સેનાની મહિલા પાંખના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હતી. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા દ્વારા જાહેરાત કરવામાં આવતા સૌ કોઈએ તેને વધાવી લીધી હતી.
કરણી સેનાનું નામ વિવાદાસ્પદ ડાયરેક્ટર સંજય લીલા ભણશાળી દ્વારા બનાવવામાં આવેલી રાણી પદ્માવતીના જીવન ચરિત્ર પરની ફિલ્મ પદ્માવતનો દેશ વ્યાપી વિરોધ કરવામાં ખાસ્સો ગાજ્યું હતું. કરણી સેનાએ પદ્માવતને દેશના એક ડઝન કરતાં વધારે રાજ્યોમાં રિલીઝ થવા દીધી ન હતી. અમદાવાદમાં મોટાપાયા પર તોડફોડ થઈ હતી અને સાણંદમાં ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા અનેક લોકોની પોલીસે ધરપકડ પણ કરી હતી.
હવે રીવાબાને મહિલા પાંખના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતા કરણી સેનાની મહિલા પાંખનું પણ વિસ્તરણ કરવામાં આવશે અને સમાજ ઉપરાંત સમાજ વિરોધ કોઈ પણ મુદ્દાનો વિરોધ કરવા કરણી સેનાના સંગઠનને મજબૂતી આપવામાં આવશે એવું મહિપાલસિંહે જણાવ્યું હતું.
થોડા સમય પહેલા રાજકોટમાં રીવાબા અને રવિન્દ્ર જાડેજાના માતાને રાજકોટના પોલીસવાળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ ખૂબ ગાજ્યો હતો. છેક વડાપ્રધાનના કાર્યાલય સુધી આની નોંધ લેવામાં આવી હતી. બાદમાં જે પોલીસ કોન્સટેબલે બબાલ કરી હતી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.