જયપુરઃ આડા સંબંધો બનવા સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે આવા અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે રાજસ્થાનના જયુપરમાંથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે. અહીં એક યુવકની ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે જ્યારે આ મામલાની તપાસ કરી ત્યારે ખુદ પોલીસ વિચારમાં પડી ગઈ હતી.
હકીકતમાં ભાભી સાથે આડા સંબંધમાં ખુદ ભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી હતી. નવાઈની વાત તો એ છે કે ઠંડા કલેજે ભાઈની હત્યા કર્યા બાદ નાનોભાઈ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તપાસમાં સાથે રહ્યો હતો. ત્યાં સુધી કે તે ઘટનાસ્થળે પણ સાથે ગયો હતો. જોકે, તપાસ દરમિયાન પોલીસને મૃતકના ભાઈ પર જ શંકા પડી હતી અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
આ કેસ ઝાલાવડ જિલ્લાના પનવા પોલીસ સ્ટેશન વિસ્તારના સરખંડિયા વિસ્તારનો છે. આ અંગે વધારે વિગત આપતા ખાનપુર ડીસીપી રાજીવ પરિવરે કહ્યુ કે, મૃતક યુવક બલરામના નાનાભાઈ સંજયના તેની ભાભી સાથે આડા સંબંધ હતા.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, દિયર અને ભાભી વચ્ચેના આડા સંબંધમાં ભાઈ વિલન બની રહ્યો હતો. આથી આરોપી યુવકની ભાભી તેના દિયરને એવું કહીને પિયર ચાલી ગઈ હતી કે તે તેના ભાઈનું કામ તમામ કરી નાખે.
જે બાદમાં નાનાભાઈએ તેના મોટાભાઈનું કામ તમામ કરવા માટેની યોજના ઘડી હતી. યોજના પ્રમાણે આરોપી તેના મોટાભાઈને સરખંડિયાના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં ચાકુથી ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. જે બાદમાં પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસને તપાસથી ભટકાવવા માટે હત્યારો ભાઈ ઘટનાસ્થળે પણ પોલીસ સાથે ગયો હતો.
આ અંગે વધારે તપાસ કરતા પોલીસને મૃતકના ભાઈ પર જ શંકા પડી હતી. આખરે પોલીસે સંજયની ધરપકડ કરી લીધી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા સંજય ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ કેસમાં પોલીસ મૃતકની પત્નીની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.