Rahul Gandhi: સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. નવા ચૂંટાયેલા સાંસદોએ પણ શપથ લીધા. આવી સ્થિતિમાં વિપક્ષના નેતાને લઈને ચાલી રહેલી અટકળોનો પણ અંત આવી ગયો છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ સરકારની રચના કરવામાં આવી હતી. આ પછી સતત ચર્ચા ચાલી રહી હતી કે ગૃહમાં વિપક્ષના નેતા કોણ હશે? હવે આ ચર્ચાનો પણ અંત આવી ગયો છે અને ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠકના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી
18મી લોકસભાના સ્પીકર પદ માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચે ચાલી રહેલી
ખેંચતાણ દરમિયાન આ નિર્ણય આવ્યો છે. ભાજપે આ પદ માટે ઓમ બિરલાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે.
અગાઉ 9 જૂને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. CWCની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને આ અંગે વિચારવા માટે થોડો સમય જોઈએ છે, ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીમાં તેની સીટોની સંખ્યા લગભગ બમણી કરી છે જે 2019માં 52થી વધીને 99 થઈ ગઈ છે. 2014ની ચૂંટણીમાં પાર્ટી માત્ર 44 સીટો જીતવામાં સફળ રહી હતી.