Rahul Gandhi: કર્ણાટક પોલીસે દક્ષિણ કન્નડ જિલ્લાના ભાજપ ધારાસભ્ય વાય ભરત શેટ્ટીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પૂછપરછ માટે નોટિસ જારી કરી હતી. સોમવારે કોંગ્રેસના સાંસદ પર ટિપ્પણી કરતી વખતે શેટ્ટીએ કહ્યું હતું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સંસદની અંદર બંધ કરી દેવા જોઈએ અને તેમના કથિત હિન્દુ વિરોધી નિવેદન માટે થપ્પડ મારવી જોઈએ. કાવુર પોલીસે શેટ્ટીને નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં હાજર થવા જણાવ્યું છે.
પોલીસે તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351 (3) (ગુનાહિત ધાકધમકી, અપમાન), 353 (જાહેર તોફાન થવાની સંભાવના) હેઠળ કેસ નોંધ્યો છે. કોંગ્રેસના નેતા અનિલ કુમારે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. અનિલ કુમારે જણાવ્યું કે શેટ્ટીએ રાહુલ ગાંધીને સંસદની અંદર બંધ કરીને થપ્પડ મારવાનું નિવેદન આપ્યું. હવે શેટ્ટીની સામે સાતથી આઠ એફઆઈઆર નોંધવામાં આવશે.
શેટ્ટીએ આ ઉપરાંત એવું કહ્યું છે કે જો વિપક્ષી નેતા રાહુલ ગાંધી મેંગલોર શહેરમાં આવશે તો
અમે તેમના માટે પણ એવી જ વ્યવસ્થા કરીશું. તેમણે કહ્યું હતું કે, “પાગલને ખબર નથી કે જો ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ખોલશે તો તેઓ (LOP) રાખ થઈ જશે. તેમણે હિંદુ વિરોધી નીતિ અપનાવી છે. તે સ્પષ્ટ છે કે એલઓપી રાહુલ ગાંધી પાગલ છે. તેઓ વિચારે છે કે તેઓ હિંદુઓ વિશે જે પણ કહેશે તે હિંદુઓ ચુપચાપ સાંભળશે.
શેટ્ટીએ દાવો કર્યો હતો કે હિંદુ ધર્મ અને સંસ્થાઓની રક્ષા કરવી ભાજપની ફરજ છે.
હિંદુ અને હિંદુત્વ અલગ છે તેવો સંદેશ કોંગ્રેસે આપવાનું શરૂ કર્યું છે. આવા નેતાઓના કારણે ભવિષ્યમાં હિંદુઓ જોખમમાં રહેશે.” તેમણે કહ્યું, ”શિવાજી અને મહારાણા પ્રતાપનો જન્મ હિન્દુ સમુદાયમાં થયો હતો. જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે હથિયારો ઉપાડીશું. શસ્ત્રોની પૂજા કર્યા પછી શું કરવું તે અમે સારી રીતે જાણીએ છીએ.