યુપીના ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એક વખત પોતાની જ પાર્ટી સામે બળવાખોર વલણ અપનાવીને પોતાની જ સરકાર પર પ્રશ્નો ઉભા કર્યા છે. વરુણ ગાંધીએ પૂછ્યુ છે કે, દેશનો યુવાન આખરે ક્યાર સુધી ધીરજ રાખે?
વરુણ ગાંધીએ પેપર લીક અને પરીક્ષાના પરીણામમાં થતાં વિલંબને લઈને પોતાની જ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તેમને કહ્યું હતુ કે, સરકારી નોકરી તો મળતી નથી અને જો કોઈ તક ઉભી થાય તો પરીક્ષાનું પેપર લીક થઈ જાય છે. તે ઉપરાંત તેમને કહ્યું કે, જો પરીક્ષા આપે તો વર્ષો સુધી પરિણામ આવતું નથી અને પરિણામ આવે તો કૌંભાડના કારણે ભરતી જ રદ થઈ જાય છે.
તેમણે કહ્યુ હતુ કે, રેલવેની ગ્રૂપ ડીની પરીક્ષા આપનારા સવા બે કરોડ યુવાનો બે વર્ષથી પરિણામની રાહ જોઈ રહ્યા છે. સેનામાં ભરતીની પણ આ જ દશા છે તેવામાં ક્યાર સુધી ભારતનો યુવાન ધીરજ રાખશે?
ઉલ્લેખનિય છે કે, ઉત્તર પ્રદેશમાં તાજેતરની શિક્ષકો માટેની પરીક્ષાનુ પેપર લીક થયુ હતુ. તે સમયે વરુણ ગાંધીએ કહ્યુ હતુ કે, લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. રાજકીય સંરક્ષણ પ્રાપ્ત માફિયાઓ સામે સરકારે આકરી કાર્યવાહી કરવી જોઈએ, કારણકે મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓના માલિકો રાજકીય વગ ધરાવતા હોય છે.