વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સરહદ પર બોર્ડર સિક્યોરીટી ફોર્સ (આઈટીબીપી)ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેઓ ઉત્તરાખંડના હર્ષિલ પહોંચ્યા હતા. દિવાળીની ઉજવણી કરી તેઓ સીધા કેદારનાથના દર્શન કરવા રવાના થયા હતા.
દિવાળીની શુભેચ્છા આપતા જવાનોને વડાપ્રધાને કહ્યું કે દુર-દુરના વિસ્તારોમાં બર્ફીલા પહાડોની વચ્ચે ડ્યૂટી કરવાની ભાવના દેશની તાકાતને વધુ મજબૂત કરે છે તેમજ 125 કરોડ ભારતીયોના ભવિષ્યના સ્વપ્નને પણ સુરક્ષિત રાખે છે. દિવાળી પ્રકાશનો પર્વ છે. ઓજસ પાથરે છે અને ડરનો ખાત્મો કરે છે. લોકોમાં નિડરતા અને સુરક્ષાના ભાવને દ્રઠ કરવા જવાનોની ફરજપરસ્તી સહાય કરે છે.
વડાપ્રધાને યાદ દેવડાવ્યું કે જવાનો સાથે દિવાળી ઉજવવાનો સિલસિલો ગુજરાતના સીએમ તરીકે હતો ત્યારથી સતત ચાલી રહ્યો છે. આઈટીબીપીના જવાનો સાથે એક વર્ષ પહેલાં તેઓ માનસરોવર યાત્રામાં પણ જોડાયા હતા. સંરક્ષણ ક્ષેત્રમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. વન રેન્ક, વન પેન્શન સહિત જવાનો માટેની એનક યોજનાઓનો તેમણે ચિતાર આપ્યો હતો.
હર્ષિલ મીલીટ્રી કેમ્પ છે અને 7,860 ફૂટની ઉંચાઈ પર છે. તે ઉત્તરકાશી જિલ્લામાં ભારત-ચીન બોર્ડર પર આવેલું છે.
ત્યાર બાદ તેઓ કેદારનાથ પહોંચ્યા અને ત્યાં 2013માં આવેલા કુદરતી પ્રકોપથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કેદારનાથના દર્શન કર્યા હતા. ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું અને દિવાળીની શૂભકામના આપી હતી.