નવી દિલ્હીઃ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી QUAD દેશોની મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં પહેલીવાર અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સાથે હશે. આ ઉપરાંત સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાન પીએમ યોશિહિડે સામેલ થશે. દુનિયાના ચાર તાકાતવર લોકતાંત્રિક દેશોના નેતાઓની અગત્યની બેઠકમાં કોરોના વેક્સીન, ટેકનીકલ સહયોગ, ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દા પ્રમુખ રહી શકે છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો ચીનનો હોઈ શકે છે.
કોરોના સંક્રમણ ફેલાવાના પ્રારંભિક દિવસો અને મહામારી દરમિયાન ચીનના વલણથી આંતરરાષ્ટ્રીય સ્તરે મુશ્કેલીઓ ઊભી થઈ. શરૂઆતમાં ચીન પર કોરોનાની જાણકારી ન આપવાના આરોપ લાગ્યા. તેને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જાહેરમાં ચીનની નિંદા કરી હતી.
બાદમાં એપ્રિલ-મે 2020માં ચીને ભારતની સરહદ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો. જેની પર શરૂ થયેલો વિવાદ હાલમાં જ શાંત થયો છે. દક્ષિણ ચીન સાગરમાં પણ ચીન સતત પોતાની દાદાગીરી કરતું રહ્યું છે.
બીજી તરફ, અમેરિકાની જો બાઇડન સરકાર ચીનની વિરુદ્ધ આકરું વલણ દર્શાવી રહી છે. અમેરિકાના પ્રભાવશાળી સેનેટરોએ સેનેટમાં અનેક પ્રસ્તાવ રજૂ કરી દક્ષિણ ચીન સાગરમાં વધતી સૈન્ય ગતિવિધિઓ માટે ચીનની ટીકા કરી છે. સાથોસાથ આર્થિક ગતિવિધિઓનો સામનો કરવા માટે પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેનાથી વૈશ્વિક બજારની સાથોસાથ અમેરિકાના વ્યવસાયને પણ નુકસાન થાય છે.
QUADની જ્યારે 2007માં રચના થઈ હતી ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચીનના વધતા પ્રભાવનો સામનો કરવાનો હતો. પરંતુ બાદમાં મનમોહન સિંહ સરકારે કહ્યું હતું કે ભારત, ચીનની વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પ્રયાસોમાં સામેલ નથી. ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયાએ પોતાને સમૂહથી અલગ કરી દીધા હતા.
હવે કોરોના મહામારી દરમિયાન ફરી એક વાર એવી સ્થિતિ ઊભી થઈ છે જ્યારે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ચીન દાદાગીરી દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ જ કારણ છે કે ક્વાડ દેશોના નેતાઓની બેઠક દરમિયના આ મુદ્દો ખૂબ અગત્યનો રહી શકે છે.