કોરોના સંક્રમણને રોકવાના તમામ ઉપાયોની વચ્ચે કલેક્ટર અને SP એ મંદિર પહોંચીને દેવીને મદિરા ચઢાવી છે. પરંપરા અનુસાર, મંદિરમાં માત્ર ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી પર જ દેવીને દારૂનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. પણ આ વખતે આ પરંપરા તૂટી ગઈ છે. શું છે તેનું કારણ જાણો અહીં સતત 80 દિવસથી વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં ઉજ્જૈન કોરોનાના રેડ ઝોનમાં છે. પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ બીમારીને રોકવા માટે સતત કામ કરી રહ્યા છે. પણ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાયો નથી. હવે આને આસ્થા કહીએ કે અંધવિશ્વાસ પણ પ્રશાસન હવે ભગવાન સામે પ્રાર્થના કરીને કોરોના વાયરસથી મુક્તિ મળે તે માટે પૂજા પાઠ કરાવી રહ્યું છે.
આ કડીમાં ઉજ્જૈનના કલેક્ટર આશીષ સિંહે ચૌબીસ ખંભા સ્થિત મહાલયા અને મહામાયા મંદિરમાં દેવીને દારૂનો પ્રસાદ ચઢાવ્યો છે. તેમણે ઉજ્જૈન શહેરને મહામારીથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી છે. આ મંદિરમાં વર્ષમાં એકવાર ચૈત્ર નવરાત્રિની આઠમે મદિરા ચઢાવવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યએ પોતાની પ્રજાને મહામારીથી બચાવવા માટે ચૌબીસ ખંભા સ્થિત આ માતાના મંદિરમાં મદિરા ચઢાવી પૂજા અભિષેક કરતા હતા.
કલેક્ટરની પૂજા પછી ભૈરવ મંદિરમાં દારૂનો ભોગ પણ લગાવવામાં આવ્યો.આ શહેરમાં મંદિર વિશે માન્યતા છે કે વર્ષમાં એક વાર ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમીના રોજ જ જિલ્લા પ્રશાસન નગર પૂજા કરાવે છે. જેમાં દેવીને પ્રસાદ તરીકે મદિરા ચઢાવવામાં આવે છે. પણ આ વખતે કોરોના વાયરસના સંક્રમણને કારણે નવરાત્રિના પહેલા જ દિવસે 25 માર્ચના રોજ લોકડાઉન લાગૂ થયું હતું. મંદિરો બંધ હતા. માટે આ વખતે ચૈત્ર નવરાત્રિ પર નગર પૂજા ન થઈ શકી. ત્યાર બાદ ઉજ્જૈનમાં કોરોના સંક્રમણ વધી જ રહ્યું છે. લોકોમાં એ અંધવિશ્વાસ છે કે, આ વખતે પૂજા નહીં થવાને કારને શહેરમાં વિપત્તિ આવી છે.